રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસ નેતાઓ ધરણા પર, મોદી-શાહના રાજીનામાની માંગ
દિલ્હીની સત્તાના કેન્દ્રમાં આજે રાજકીય હલચલ! પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં કોંગ્રેસે PM આવાસને ઘેરો ઘાલ્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના ટોચના નેતાઓ રસ્તા પર બેસી ગયા અને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી હતી. પહેલા હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓને મળ્યા, પછી સીધા PM આવાસ તરફ કૂચ કરી હતી.
PM આવાસ નજીક કોંગ્રેસનો જબરદસ્ત વિરોધ
દિલ્હીમાં તાજેતરમાં થયેલા પેપર લીક અને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે આજે આક્રમક વલણ અપનાવ્યું હતું.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદો ખડગેના નિવાસસ્થાનેથી PM આવાસ તરફ માર્ચ કાઢીને ધરણા પર બેસી ગયા હતા. નેતાઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની જોરદાર માંગ કરી હતી.
આ પણ વાંચો: સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવા હાઈકોર્ટનો આદેશ
પહેલા હોસ્પિટલ પહોંચ્યા રાહુલ-પ્રિયંકા
વિપક્ષનો આક્રોશ તે પહેલા જ ભડક્યો હતો જ્યારે સંસદ તરફ માર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓની ખબરઅંતર પૂછવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેમની હાલતની જાણકારી મેળવી હતી.
રાહુલ ગાંધીનો પલટવાર: “PM મોદી ચૂપ કેમ?”
સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું, _”વડાપ્રધાન મોદી આ મામલે ચૂપ કેમ છે? PMએ માફી માંગવી જોઈએ અને પદ પરથી રાજીનામું આપવું જોઈએ.”_
રાહુલે વધુમાં કહ્યું કે _”છોકરાઓની પીટાઈ માટે ગૃહ મંત્રી અમિત શાહે પણ ત્યાગપત્ર આપવું જોઈએ.”_
કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે અને વિરોધનો અવાજ દબાવવા માટે બળનો ઉપયોગ કરી રહી છે.
દિલ્હી પોલીસ એલર્ટ, સુરક્ષા વધારાઈ
કોંગ્રેસના આ પ્રદર્શન બાદ PM આવાસ અને સંસદ ભવનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે પરિસ્થિતિ પર નજર રાખી છે.
