દેશના પૂર્વ ગૃહ સચિવે ભેટ આપેલું 5 કરોડનું સોને મઢેલું રામચરિતમાનસ ભેદી રીતે ગાયબ
પાંચ મહિના દર્શનમાં રહ્યું, અત્યારે ક્યાં છે તે ખબર નથી; યોગી-ભાગવત સુધી રજૂઆત છતાં જવાબ મળતો નથી
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કાંડમાં દરરોજ નવા ધડાકા થઈ રહ્યા છે. મંદિરના વહીવટમાં ગોલમાલ હોવાની અનેક લોકોએ વ્યક્ત કરેલી આશંકાઓ વચ્ચે હવે સૌથી ગંભીર અને ચોંકાવનારો આક્ષેપ દેશના પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ એસ. લક્ષ્મીનારાયણે કર્યો છે. તેમના જણાવ્યા મુજબ તેમણે પોતાની જીવનભરની કમાણીમાંથી લગભગ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાવીને શ્રીરામ મંદિરને અર્પણ કરેલું સોને મઢેલું રામચરિતમાનસ પાંચ મહિના સુધી દર્શનાર્થે મૂક્યા બાદ રહસ્યમય રીતે હટાવી દેવામાં આવ્યું છે. ત્યારથી લઈને આજદિન સુધી તે ક્યાં છે તેનો કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. ચંપત રાયથી માંડીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સુધી રજૂઆત કરવા છતાં સંતોષકારક સ્પષ્ટતા ન મળ્યાનો તેમણે આક્ષેપ કર્યો છે.
લક્ષ્મીનારાયણે મીડિયા સમક્ષ કહ્યું કે રામચરિતમાનસ માત્ર એક ભેટ નહોતું, પરંતુ તેમના પરિવારની દાયકાઓ જૂની ભક્તિ અને સમર્પણનું પ્રતીક હતું. નિવૃત્તિ બાદ ભગવાને આપેલી સંપત્તિમાંથી કંઈક શ્રીરામને અર્પણ કરવાનો સંકલ્પ તેમણે કર્યો હતો. ત્યારબાદ પત્ની સરસ્વતી સાથે મળીને વિશેષ રીતે તૈયાર કરાયેલું સોને મઢેલું રામચરિતમાનસ એપ્રિલ-2024માં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ ચંપત રાયે એ પવિત્ર પુસ્તકને ગર્ભ ગૃહમાં રાખવાનું વચન આપ્યું હતું.બાદમાં સ્થળ બદલાશે એવું કહ્યું.અંતે એ મંદિર પરિસરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું હતું અને દરરોજ તેની પૂજા પણ થતી હતી. પરંતુ લગભગ પાંચ મહિના પછી તેને અચાનક હટાવી દેવામાં આવ્યું. ત્યારથી તે ક્યાં રાખવામાં આવ્યું છે અથવા કેમ હટાવવામાં આવ્યું તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.ચંપત રાયે પછી જવાબ આપવાનું કે મુલાકાત આપવાનું બંધ કરી દીધું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: ભય ભુંડો: ખેડૂત આંદોલન સમેટાઇ જાય તે માટે સરકારે ૨૪ કલાકમાં પરિપત્ર જાહેર કર્યો
લક્ષ્મીનારાયણે જણાવ્યું કે આ અંગે જવાબ મેળવવા તેઓ અનેક વખત અયોધ્યા ગયા, પરંતુ સંબંધિત અધિકારીઓને મળવું પણ મુશ્કેલ બનતું ગયું. વારંવાર પૂછપરછ છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. પોતે ક્યારેય પ્રસિદ્ધિ માંગતા નહોતા, માત્ર દાતાઓની આસ્થાનો આદર રાખીને પારદર્શિતા જાળવવામાં આવે અને દરેક દાનની યોગ્ય નોંધ તથા સુરક્ષા થાય એટલી જ તેમની માંગ છે.
તાજેતરમાં દાન કૌભાંડના આરોપો સામે આવ્યા પછી લોકો તેમને ફોન કરીને તેમનું રામચરિતમાનસ સુરક્ષિત છે કે નહીં તે પૂછવા લાગ્યા હોવાનું તેમણે જણાવ્યું. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા મંદિર વહીવટ સાથે સંકળાયેલા લોકોને સમગ્ર દાન સામગ્રીનું સ્વતંત્ર ઓડિટ કરાવવાની વિનંતી કરી હતી. સ્થાનિક સ્તરે કોઈ પરિણામ ન મળતાં આરએસએસના કેટલાક કાર્યકર્તાઓની સલાહથી તેમણે મોહન ભાગવત સમક્ષ પણ મુદ્દો રજૂ કર્યો હતો. ભાગવતે મદદનું આશ્વાસન આપ્યું હોવા છતાં હજુ સુધી કોઈ પ્રગતિ થઈ નથી.
પૂર્વ ગૃહ સચિવનું કહેવું છે કે આ સમગ્ર ઘટના ટાળી શકાય તેવી હતી અને મંદિરના વહીવટમાં દેખરેખનો ગંભીર અભાવ રહ્યો છે. તેમના મતે દાતાઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે જવાબદારી નક્કી કરીને પારદર્શક તપાસ જરૂરી છે.
સોનાથી મઢેલા 522 પાના, 147 કિલો વજન… જીવનભરની મૂડીનું સમર્પણ
લક્ષ્મીનારાયણ અને તેમની પત્નીએ અર્પણ કરેલું રામચરિતમાનસ અંદાજે રૂ. 4.5થી 5 કરોડની કિંમતનું હોવાનું જણાવાયું છે. લગભગ 147 કિલો વજન ધરાવતી આ કૃતિ સોનું, ચાંદી અને તાંબાથી તૈયાર કરવામાં આવી હતી. તેમાં સોનાથી મઢેલા કુલ 522 પાના છે, જેમાં ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિતમાનસના તમામ 10,902 દોહા અને ચોપાઈઓ અંકિત કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યું કે મારું જીવન અત્યંત સાદું છે, અમારી જરૂરિયાતો ખૂબ ઓછી છે. એ સંજોગોમાં તેમણે તેમની જીવનભરની બચતમાંથી આ રામ ચરિત માનસ બનાવ્યું હતું .તેમણે કહ્યું કે આ પરિવારની આસ્થાનું અમૂલ્ય સમર્પણ હતું.
“અમને પણ જવાબ નથી દેતા”, દિગ્ગજોએ પણ લાચારી દર્શાવી
પૂર્વ ગૃહ સચિવના જણાવ્યા મુજબ સ્થાનિક સ્તરે રજૂઆતોનો કોઈ પરિણામ ન મળતાં તેમણે ઉત્તર પ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પછી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સુધી મુદ્દો પહોંચાડ્યો હતો. ભાગવતે મદદનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. આ મુદ્દો ઉઠાવવામાં મદદ કરનાર કેટલાક દિગ્ગજોએ પણ હવે “અમારી વાત પણ સાંભળવામાં આવતી નથી” એવી લાચારી વ્યક્ત કરી હોવાનું લક્ષ્મીનારાયણે જણાવ્યું છે.
આખો પરિવાર રામને સમર્પિત; દાતાઓનાં આસ્થાના રક્ષણની માંગ
લક્ષ્મીનારાયણના જણાવ્યા મુજબ તેમનો આખો પરિવાર દાયકાઓથી રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલો રહ્યો છે. તેમની સ્વર્ગસ્થ માતાએ સતત 15થી 18 વર્ષ સુધી ભગવાન રામનું નામ લખવાની સાધના કરી હતી અને તેમના સસરાના ઘરેથી જ રામમંદિર આંદોલન માટે કન્યાકુમારીથી પ્રથમ શિલા મોકલવામાં આવી હતી. તેઓ કહે છે કે આ કૌભાંડથી માત્ર તેઓ નહીં, પરંતુ હજારો દાતાઓની લાગણીઓને આઘાત પહોંચ્યો છે. દાતાઓ હવે જવાબદારી નક્કી કરવાની અને પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. ચંપત રાય અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે માત્ર નૈતિક જ નહીં, દેખરેખની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. “જ્યારે કોઈ ઘટના તમારી દેખરેખ હેઠળ બને ત્યારે જવાબદારી સ્વીકારવી જ પડે,” એમ તેમણે જણાવ્યું. તેમણે અંતે કહ્યું, “મારે કોઈ સન્માન કે પ્રસિદ્ધિ નથી જોઈતી, મારી એક જ માંગ છે-પારદર્શિતા અને દાતાઓની આસ્થાનું રક્ષણ.”
