અરજદારના 16 દસ્તાવેજોને નાગરિકતાના પુરાવા માનવાનો ગૌહાટી હાઇકોર્ટનો ઇનકાર
આસામના રહીશને વિદેશી ગણાવતો નીચલી કોર્ટનો ચુકાદો યથાવત
ગૌહાટી હાઇકોર્ટે નાગરિકતા સાબિત કરવા અંગેના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું છે કે માત્ર દસ્તાવેજો રજૂ કરી દેવાથી નાગરિકતા સાબિત થઈ જતી નથી. અરજદારે રજૂ કરેલા 16 દસ્તાવેજો તેને ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા પૂરતા નથી તેમ જણાવી તેથી ફોરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા તેને વિદેશી જાહેર કરતો 2019નો નિર્ણય હાઇકોર્ટે યથાવત રાખ્યો હતો.
વિગત એવી છે કે આસામના અમીનુલ હક નામના રહીશને ફોરેનર્સ ટ્રિબ્યુનલે ફેબ્રુઆરી-2019માં તેને વિદેશી જાહેર કર્યો હતો, જેને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.
તેની સુનાવણી દરમિયાન અરજદારે 1951ની એનઆરસીની નકલ, 1966થી 2017 સુધીની મતદાર યાદીઓ, 1973ના જમીન ખરીદીના દસ્તાવેજો, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને શાળાનું પ્રમાણપત્ર સહિત કુલ 16 દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેનો દાવો હતો કે તેનો પરિવાર પેઢીઓથી આસામમાં રહે છે.
આ પણ વાંચો: EPFનાં 31 લાખ ખાતાં નિષ્ક્રિય,9330કરોડની જંગી રકમનું કોઈ લેવાલ નથી!
જોકે ગૌહાટી હાઇકોર્ટની જસ્ટિસ કલ્યાણ રાય સુરાણા અને જસ્ટિસ શમીમા જહાંની ખંડપીઠે ચુકાદામાં જણાવ્યું કે ફોરેનર્સ એક્ટની કલમ-9 મુજબ કોઈ વ્યક્તિની નાગરિકતા અંગે પ્રશ્ન ઊભો થાય ત્યારે પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવાની જવાબદારી તેની જ હોય છે.
પરંતુ હાઇકોર્ટે નોંધ્યું કે આ દસ્તાવેજો પરિવાર વચ્ચેની કડીને સતત અને વિશ્વસનીય રીતે સ્થાપિત કરતા નથી. મતદાર યાદીઓમાં અલગ-અલગ ગામોમાં નોંધાયેલા નામો વચ્ચેનું જોડાણ દસ્તાવેજી રીતે સાબિત કરવામાં આવ્યું નથી. માત્ર દલીલો અથવા અનુમાનના આધારે નાગરિકતા સ્વીકારી શકાય નહીં.
કોર્ટે વધુમાં જણાવ્યું કે પરિવાર એક ગામમાંથી બીજા ગામમાં સ્થળાંતર કર્યો હોવાની વાતને સમર્થન આપતો કોઈ વિશ્વસનીય પુરાવો રજૂ થયો નથી. મતદાર યાદીમાં થયેલી ભૂલોની દલીલ પણ પૂરતા આધાર વિના સ્વીકારી શકાય નહીં. અરજદાર કાયદા મુજબ જરૂરી પુરાવા રજૂ નથી કરી શક્યા તેમ જણાવી અદાલતે ટ્રિબ્યુનલના અગાઉના ઓર્ડર પર મંજૂરીની મ્હોર લગાવી હતી.
NRCમાં પિતા-દાદાનું નામ હોવા છતાં નાગરિકતા સાબિત ન થઈ
અમીનુલ હકે 1951ની નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)ની નકલ રજૂ કરી હતી, જેમાં તેના દાદા અને પિતાના નામ નોંધાયેલા હતા. ઉપરાંત વિવિધ વર્ષોની મતદાર યાદીઓ પણ રજૂ કરવામાં આવી હતી. તેમ છતાં ગૌહાટી હાઇકોર્ટે કહ્યું કે માત્ર પૂર્વજોના નામ NRC અથવા મતદાર યાદીમાં હોવા પૂરતું નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે અરજદાર પોતાના અને આ પૂર્વજોના નામ વચ્ચેનો કાયદેસર અને સાતત્યપૂર્ણ દસ્તાવેજી સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે ત્યારે માત્ર NRCની નોંધને એકલા આધારે ભારતીય નાગરિકતા સ્વીકારી શકાય નહીં.
પિતાએ કહ્યું, “મારો પુત્ર છે”… અદાલતે કહ્યું, “પુરાવા નથી”
સુનાવણી દરમિયાન અરજદારના પિતા કોર્ટમાં હાજર રહી અમીનુલ હક પોતાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. જોકે હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર મૌખિક નિવેદન પૂરતું નથી. પિતા-પુત્રના સંબંધને સમર્થન આપતા કાયદેસર અને સ્વીકાર્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના રહે છે. આવા પુરાવાના અભાવે મૌખિક જુબાનીના આધારે નાગરિકતા સ્વીકારી શકાય નહીં.
વોટર લિસ્ટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની દલીલો અમાન્ય
અરજદારે વિવિધ વર્ષોની મતદાર યાદીઓ અને 2017માં જારી કરાયેલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર પણ આધાર રાખ્યો હતો. જોકે કોર્ટે નોંધ્યું કે શાળાનું પ્રમાણપત્ર આપનાર મુખ્ય શિક્ષક સાક્ષી તરીકે હાજર રહ્યા નહોતા, તેથી તે દસ્તાવેજ વિશ્વસનીય રીતે સાબિત થયો નહીં. ઉપરાંત મતદાર યાદીઓમાં પરિવારના સભ્યોના નામો અને રહેઠાણની સતત કડી પણ સ્થાપિત થઈ ન હોવાથી આ દસ્તાવેજોને નાગરિકતાના નિર્ણાયક પુરાવા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
