ચંદા ચોરી કાંડ: આરોપીઓના ઘરેથી જંગી રોકડ સાથે ડોલર પણ મળ્યા
ચોરીના નાણાંથી ખરીદાયેલી મિલકતોની તપાસ
અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે. મુખ્ય આરોપી લવકુશ મિશ્રાના ઘરે તાજી દરોડાની કાર્યવાહી દરમિયાન વધુ પુરાવા મળ્યા છે, જ્યારે અન્ય મુખ્ય આરોપી અવિનાશ શુક્લા પાસેથી અંદાજે રૂ. 20.40 લાખની રોકડ ઉપરાંત 900થી 1000 અમેરિકન ડોલર પણ મળી આવ્યા છે. અત્યાર સુધી આઠમાંથી સાત આરોપીઓ પાસેથી કુલ રૂ. 79.85 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.
રામ મંદિર દાન ચોરી પ્રકરણમાં અયોધ્યા પોલીસે હવે આરોપીઓની ગેરકાયદે સંપત્તિ અને ચોરીના નાણાંથી કરાયેલા રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી લવકુશ મિશ્રાએ અયોધ્યાના સહાદતગંજ વિસ્તારમાં અંદાજે રૂ. 23 લાખની જમીન ખરીદી હોવાનું સામે આવતાં પોલીસ હવે તેની નાણાકીય લેવડદેવડ અને અન્ય મિલકતોની પણ તપાસ કરી રહી છે.
આ સમગ્ર વિવાદ 7 જૂને સામે આવ્યો હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા તેજ નારાયણ ‘પવન’ પાંડેએ રામ મંદિરના ચંદામાંથી રૂ. 5 કરોડથી રૂ. 7.5 કરોડ સુધીની રકમની ઉચાપત થયાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરીને અત્યાર સુધી આઠ આરોપીઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: રાજકોટ એરપોર્ટ પર ત્રણ આતંકવાદીએ ૬૫ મુસાફર સાથેની ફ્લાઇટ હાઈજેક કરી
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ મંદિરમાં આવતી દાનરાશિની હેરાફેરી કરવા માટે અલગ-અલગ રીતો અપનાવી હતી. હાલ તપાસનું મુખ્ય ફોકસ આરોપીઓની સંપત્તિ, બેંક વ્યવહારો અને ચોરીના નાણાં ક્યાં-ક્યાં ખર્ચાયા તેની વિગતો મેળવવાનો છે.
નોંધનીય છે કે એક આરોપી અવિનાશ શુક્લાના રૂમમાંથી રૂ. 12 લાખ રોકડા મળ્યા હતા, જ્યારે તેના ભાઈએ અગાઉ રૂ. 8.40 લાખ મંદિર ટ્રસ્ટને પરત સોંપ્યા હતા. ઉપરાંત તેના પાસેથી વિદેશી ચલણ તરીકે 900થી 1000 અમેરિકન ડોલર પણ મળ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આરોપીઓના વગદાર છેડા
આ કેસમાં ધરપકડ કરાયેલા અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા મંદિર ટ્રસ્ટના પૂર્વ સભ્ય અનિલ મિશ્રાના સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે. અનિલ મિશ્રાએ તાજેતરમાં જ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું છે. બીજી તરફ, રામશંકર યાદવ ‘ટિન્નુ’ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયના સહયોગી હોવાનું તથા મનિષ યાદવ તેમનો સંબંધિ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ચંપત રાયે પણ તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
કોના ઘરેથી કેટલી રોકડ જપ્ત?
▶️ અવિનાશ શુક્લા – રૂ. 20.40 લાખ
▶️ કરુણેશ પાંડે – રૂ. 18.07 લાખ
▶️ અનુકલ્પ મિશ્રા – રૂ. 16.82 લાખ
▶️ લવકુશ મિશ્રા – રૂ. 14.25 લાખ
▶️ રામાશંકર મિશ્રા – રૂ. 7.32 લાખ
▶️ મનિષ યાદવ – રૂ. 2 લાખ
▶️ રામશંકર યાદવ ‘ટિન્નુ’ – રૂ. 1 લાખ
▶️ સુભાષ શ્રીવાસ્તવ – કોઈ રોકડ જપ્ત થઈ નથી
કુલ જપ્ત રોકડ : રૂ. 79.85 લાખ
