૯ વર્ષથી નોકરી છોડી દીધી છે છતાં સરકારે આપ્યુ પ્રમોશન
આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને કોન્સ્ટેબલમાંથી જમાદાર બનાવી નાખ્યા
આમ આદમી પાર્ટીનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને રાજ્ય સરકારના ગૃહ વિભાગે કોન્સ્ટેબલમાંથી જમાદારનું પ્રમોશન આપતા ગૃહ વિભાગમાં કેટલી લાપરવાહી ચાલે છે તે સાબિત થયું છે. આ જાણકારી ખુદ ગોપાલ ઈટાલીએ આપી છે. તેમણે આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અભિનંદન પાઠવીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધ્યું છે. ઈટાલિયાએ 2015માં પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી. આ પછી પણ ગોપાલ ઈટાલિયાએ પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલની બઢતીની યાદીમાં નામ હોવાનો દાવો કર્યો છે. ગોપાલ ઈટાલિયાની આ એક્સ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ઈટાલિયાએ ગૃહ વિભાગની ભૂલોને હર્ષ સંઘવીનો કાળો જાદુ ગણાવીને આડે હાથ લીધા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેર કરાયેલ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ સુધીના પ્રમોશનની યાદીમાં ગોપાલ ઈટાલિયાનું નામ સામેલ છે. ઈટાલિયાએ X પર આ યાદી શેર કરી છે. જેમાં ગોપાલ ઈટાલિયાનું નામ અમદાવાદ પોલીસના જોઈન્ટ કમિશનરની પ્રમોશન લિસ્ટ નંબર 726 પેજ નંબર 21માં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલમાં ઉપર છે.
ગોપાલ ઈટાલિયાએ ગુજરાતીમાં લખ્યું છે કે આઠમું પાસ હર્ષ સંઘવીનો કાળો જાદુ, મેં વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપ્યું હતું. હું આઠમું પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું કે તેમણે મને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી. વર્ષ 726માં મારું નામ પ્રમોશન લિસ્ટમાં સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યો છે.