MLC ચૂંટણીમાં વિપક્ષમાં ક્રોસ વોટિંગ, કોંગ્રેસનો 5 બેઠક પર અણધાર્યો વિજય
કર્ણાટક વિધાન પરિષદની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની પાંચેય બેઠકો જીતતા ચૂંટણી પહેલાંથી ચાલી રહેલી ક્રોસ વોટિંગની અટકળો આખરે સાચી સાબિત થઈ હતી. કોંગ્રેસને અપેક્ષા કરતાં 11 વધારાના મત મળ્યા હોવાનું સામે આવ્યું છે, જે ભાજપ અને જેડીએસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
કર્ણાટક વિધાન પરિષદની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષમાં થયેલા ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસના તમામ પાંચ ઉમેદવારો વિજયી થયા હતા.ભાજપને બે બેઠક મળી છે.કોંગ્રેસને તેના કુલ ધારાસભ્યોની સંખ્યા કરતાં 11 મત વધારે મળતાં વિપક્ષી છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
આ પરિણામ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તેમની આગેવાની હેઠળની આ પ્રથમ મોટી ચૂંટણી હતી, જેમાં કોંગ્રેસે પોતાની સંખ્યાબળ કરતાં વધુ મત મેળવી રાજકીય શક્તિનું પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: જામકંડોરણાના અકસ્માત થતાં એકના એક ૩ વર્ષના માસૂમ પુત્રનું મોત, માતા ગંભીર
કોંગ્રેસના પાંચમા ઉમેદવાર વિનય કાર્તિકને 32 મત મળતા તેમને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.ભાજપ માટે આ પરિણામ શરમજનક માનવામાં આવી રહ્યું છે. પાર્ટીના ઉમેદવાર લિંગરાજ પાટીલને ફાળવાયેલા 30 મત સામે માત્ર 27 મત મળ્યા હતા. વિપક્ષના નેતા આર. અશોકે સ્વીકાર્યું કે ભાજપના ઓછામાં ઓછા ત્રણ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સાબિત થયું છે.
જેડીએસ-ભાજપ વચ્ચે તડાં,વધારાના મત પર વિવાદ
વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને જેડીએસ વચ્ચે તણાવ ઊભો થયો છે. ભાજપનો દાવો છે કે તેના ચાર ધારાસભ્યોએ જેડીએસ ઉમેદવાર ગોવિંદરાજુને મત આપ્યા હતા, પરંતુ જેડીએસે આ દાવાને નકારી કાઢ્યો છે. ગોવિંદરાજુને માત્ર 14 મત મળ્યા, જ્યારે જેડીએસની વિધાનસભામાં સંખ્યા 18 છે. કોંગ્રેસને મળેલા ચાર વધારાના મત ક્યાંથી આવ્યા તે અંગે હજુ પણ ગૂંચવણ યથાવત છે. પરિણામે એનડીએના બંને સાથી પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે.
