છત્તીસગઢ: રેતી ખનનના વિવાદમાં ભાજપના નેતા સહિત ત્રણ લોકોને જીવતા સળગાવાયા
ફોર્ચ્યુનર કારને ટ્રકો વચ્ચે ફસાવી પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં રેતી ખનનના લાંબા સમયથી ચાલતા વિવાદમાં ભાજપના નેતા અને પૂર્વ જનપદ પંચાયત પ્રમુખ ભરતસિંહ ઉર્ફે લલ્લા સિંહ સહિત ત્રણ લોકોને જીવતા સળગાવી દેવામાં આવતા ભારે ચકચાર મચી છે. સોનહટ પોલીસ મથક હેઠળના નૌગાંવ ગામે મંગળવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં ભરતસિંહ વિવાદના સમાધાન માટે ગયા હતા ત્યારે તેમની ફોર્ચ્યુનર કારને ટ્રકો વચ્ચે ઘેરીને કાર પર પેટ્રોલ છાંટી આગને હવાલે કરી દેવામાં આવી હતી.
આ ઘટનામાં ભરતસિંહ ઉપરાંત તેમના પિતરાઈ ભાઈ અને શિક્ષક નગેન્દ્રસિંહ તથા સારવાર દરમિયાન વીરેન્દ્રસિંહનું મોત થયું હતું, જ્યારે મયંકસિંહ ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે અક્ષત ત્રિપાઠી, વિશાલ ત્રિપાઠી, સત્યપ્રકાશ ત્રિપાઠી અને મન્નુ ત્રિપાઠીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચો: મમતા બેનરજીને કોલકતા હાઇકોર્ટનો ઝટકો
પ્રાથમિક તપાસ મુજબ ભરતસિંહના પરિવાર અને મનોજ ત્રિપાઠી પરિવાર વચ્ચે રેતી ખનન, પરિવહન અને ગેરકાયદે વસૂલાતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મૃતકના પરિવારે આ સમગ્ર ઘટનાને પૂર્વનિયોજિત હત્યાકાંડ ગણાવી CBI તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાહુબલી નેતાનો કરુણ અંત
ભરતસિંહ ઉર્ફે લલ્લા સિંહ કોરિયા જિલ્લાના સોનહટ વિસ્તારના સૌથી પ્રભાવશાળી અને વગદાર રાજકીય ચહેરાઓમાં ગણાતા હતા. તેઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, પરંતુ બાદમાં ભુપેશ બઘેલ સરકારના કાર્યકાળ દરમિયાન ભાજપમાં જોડાયા હતા. પૂર્વ જનપદ પંચાયત પ્રમુખ રહી ચૂકેલા લલ્લા સિંહનો ખનન, ક્રશર અને સ્થાનિક રાજકારણમાં જબરો પ્રભાવ માનવામાં આવતો હતો. સ્થાનિક સ્તરે તેઓ શક્તિ પ્રદર્શન અને દબદબાભરી છબી માટે જાણીતા હતા. તેઓ ઘણી વખત હૂટર લગાવેલી ફોર્ચ્યુનર કારમાં ફરતા હતા અને તેમના સમર્થકોમાં તેમનો ખાસ પ્રભાવ હતો. રેતી ખનન અને પરિવહન સાથે જોડાયેલા વિવાદોમાં પણ તેમનું નામ વારંવાર ચર્ચામાં રહેતું હતું.
