બિરભૂમના ખનન માફિયાના સાગરિત બસ ડ્રાઇવરના ઘરેથી 50 કરોડની સંપત્તિ જપ્ત
રૂ. 21.5 કરોડનું સોનું, રૂ. 28.5 કરોડની રોકડ મળી
તુલુ મોંડલ સાથે જોડાયેલા રૂ. 93 કરોડના બેંક ખાતા સ્થગિત, ગેરકાયદે ખનનના નાણાંના જાળાની તપાસ તેજ
કોલકાતા: પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં ગેરકાયદે પથ્થર ખનન અને સરકારી આવકની કથિત ઉચાપત સાથે જોડાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. બિરભૂમ પોલીસે દેઉચા ગામમાં નિવૃત્ત સરકારી બસ ડ્રાઇવર મીનાર મોંડલના ઘરે દરોડો પાડી અંદાજે રૂ. 21.5 કરોડનું સોનું અને રૂ. 28.5 કરોડની રોકડ જપ્ત કરી છે. અત્યાર સુધીમાં જ કુલ જપ્તીનો આંકડો રૂ. 50 કરોડ કરતાં વધારે થયો છે.અને એ પછી પણ ગણતરી ચાલુ છે. નોટોની ગણતરી માટે પાંચ કરન્સી કાઉન્ટિંગ મશીનો લગાવવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યા મુજબ મીનાર મોંડલ બિરભૂમના પ્રભાવશાળી પથ્થર વેપારી અને ખનન માફિયા તરીકે કુખ્યાત તુલુ મોંડલનો નજીકનો સાગરિત છે. તુલુ મોંડલ અગાઉ તૃણમૂલ કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન પથ્થર ખાણ વિસ્તારમાં આવક વસૂલવાની જવાબદારી સંભાળતો હોવાનું કહેવાય છે. નિવૃત્તિ બાદ મીનાર મોંડલને પણ ખાણ વિસ્તારમાંથી પસાર થતા પથ્થર ભરેલા ટ્રકો પાસેથી વસૂલાતની જવાબદારી સોંપવામાં આવી હતી.હવે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે સરકારી તિજોરીમાં જવાની આવકનો મોટો ભાગ ગેરરીતે અન્યત્ર વાળવામાં આવ્યો હતો કે કેમ.
આ પણ વાંચો: મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે રૂપિયા 18 કરોડની ચોરી
તુલુ મોંડલને બિરભૂમના તૃણમૂલના પૂર્વ પ્રભાવી નેતા અનુબ્રત મોંડલનો નજીકનો સાથી માનવામાં આવે છે. તેના પર ગેરકાયદે પથ્થર ખનન અને પશુ તસ્કરી જેવા કેસોમાં અગાઉ પણ આરોપો લાગ્યા હતા. વર્ષ 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) તેના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ હત્યાના કેસમાં તેની ધરપકડ થઈ હતી, જોકે બાદમાં જામીન પર છૂટ્યા પછી તે ફરાર હોવાનું કહેવાય છે.
પોલીસે મીનાર મોંડલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય હિસાબનીશ, સહાયક હિસાબનીશ અને પેટ્રોલ પંપ મેનેજર સહિત પાંચ લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સીઆઈડી, એસટીએફ અને કેન્દ્રીય એજન્સીઓ ગેરકાયદે ખનનમાંથી મેળવાયેલી રકમ વિદેશમાં મોકલાઇ હોવાની દિશામાં પણ તપાસ કરી રહી છે.
અત્યાર સુધીમાં શું શું મળ્યું ?
● તુલુ મોંડલ સાથે જોડાયેલી કુલ રૂ. 150 કરોડથી વધુની સંપત્તિ જપ્ત.
● રૂ. 28.5 કરોડ રોકડ અને રૂ. 21.5 કરોડનું સોનું મળી કુલ રૂ. 50 કરોડની વસૂલાત.
● મીનાર મોંડલના ઘરેથી રૂ. 53 લાખ રોકડા, 268 ગ્રામ સોનાના દાગીના, 400 ગ્રામ ચાંદી અને 23 ગ્રામ પ્લેટિનમના દાગીના મળ્યા.
● તુલુ મોંડલ સાથે જોડાયેલા રૂ. 93 કરોડના બેંક ખાતા સ્થગિત.
● 242 વાહનો, જેમાં લક્ઝરી કારો તથા 83 ડમ્પર અને ટ્રકો જપ્ત.
● આશરે 300 બીઘા જમીન પર આવેલી 21 મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ; તેમાં પથ્થરની ખાણો, ક્રશર, પેટ્રોલ પંપ, ફાર્મહાઉસ અને મકાનોનો સમાવેશ.
● ત્રણ કરન્સી કાઉન્ટિંગ મશીન, કમ્પ્યુટર, પેન ડ્રાઇવ, નકલી ડિલિવરી-કમ-રસીદ (DCR) સ્લિપ, ટ્રાન્સપોર્ટ ચલણ અને ચેકબુક જપ્ત.
● મીનાર મોંડલની ધરપકડ, પાંચ અન્યની પૂછપરછ.
● ગેરકાયદે ખનનમાંથી મળેલી રકમ વિદેશમાં મોકલાઈ કે નહીં તેની સીઆઈડી, એસટીએફ અને કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે.
વૈભવી લગ્ન સમારંભ પછી તુલુ મોંડલ રડારમાં
ડિસેમ્બર 2024માં તુલુ મોંડલ તેની પુત્રીના ભવ્ય લગ્ન સમારંભને કારણે ભારે ચર્ચામાં આવ્યો હતો. ઉદયપુરના પ્રસિદ્ધ તાજ લેક પેલેસની થીમ પર તૈયાર કરાયેલા ભવ્ય સ્થળે યોજાયેલા આ સમારંભમાં બોલિવૂડ તેમજ બંગાળી ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ અતિ વૈભવી આયોજન બાદ તુલુ મોંડલની સંપત્તિ અને આવકના સ્ત્રોત અંગે સવાલો ઊભા થયા હતા. હવે ગેરકાયદે પથ્થર ખનન અને કથિત મની લોન્ડરિંગની તપાસમાં તેના વિરુદ્ધ કરોડોની સંપત્તિ અને નાણાકીય વ્યવહારો બહાર આવતા તે ફરી એકવાર તપાસ એજન્સીઓના રડારમાં આવ્યો છે.
