ટ્રમ્પના ગાઝા પ્લાન સામે કોણ પડી ગયું મેદાને ? કોણે શું કહ્યું ? જુઓ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ગાઝા પ્લાનને લઈને આરબ દેશોમાંથી ભારે તીખી પ્રતિક્રિયા આવી રહી છે અને ટ્રમ્પની આ યોજનાને આ દેશો ફેલ કરી શકે છે તેવા અણસાર મળી રહ્યા છે અને તેને પગલે નવું ટેન્શન પણ ઊભું થઈ શકે છે .
આરબ લીગના મહાસચિવ અહમદ અબુલ અને જૉર્ડનના કિંગ અબ્દુલ્લા ટ્રમ્પની આ યોજના સામે મેદાને પડી ગયા છે . આરબ લીગના મહાસચિવે દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં એમ કહ્યું હતું કે પેલેસ્ટાઇનના લોકોને ગાઝા અને વેસ્ટ બેન્કથી વિસ્થાપિત કરવાનું કામ આરબ ક્ષેત્ર માટે અસ્વીકાર્ય છે .
એમણે કહ્યું કે આરબ જગત પાછલા ૧૦૦ વર્ષથી આ વિચાર વિરુધ્ધ લડત આપે છે . એ જ રીતે જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ પણ ટ્રમ્પ સાથેની બેઠકમાં સાફ કહી દીધું હતું કે આ રીતે મોટા પ્રમાણમાં લોકોના વિસ્થાપન માટેની વાત ક્યારેય સ્વીકાર્ય રહી શકે નહીં .
જો કે માનવીય આધાર પર ગાઝાના ૨૦૦૦ બીમાર બાળકોને શરણ દેવા જોર્ડને તૈયારી બતાવી હતી. આમ આરબ દેશો તરફથી ટ્રમ્પની યોજના સામે ભારે તીખી પ્રતિક્રિયા આવી રહી છે અને આ રીતે ગાઝા પર કબજો કરવાના કોઈ પણ પ્રયાસને સહન કરવામાં નહીં આવે તેવી વાત બહાર આવી રહી છે .
આરબ દેશો એમ માને છે કે પેલેસ્ટાઇનના લોકોને એમની જ ભૂમિ પરથી બહાર કરી દેવાની અન્યાયી વાત છે અને વિશ્વ આવા પ્રયાસ સામે એક થઈ શકે છે . આરબ દેશો તો ક્યારેય આ વાત સ્વીકારવા તૈયાર થશે જ નહિ.