મહિલાના શરીરમા એક પણ ફ્રેક્ચર ન હોવાનો દાવો
કોલકત્તાની હોસ્પિટલમાં યુવાન મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાવવામાં આવતા ફેક ન્યુઝ અને ખોટી માહિતીથી સાવચેત રહેવા કલકત્તા પોલીસે લોકોને અપીલ કરી હતી. આ પીડિતાના શરીરમાંથી 150 ગ્રામ વીર્ય મળ્યો હોવાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને કેટલાક અખબારોમાં વહેતા થયેલા અહેવાલોનું પણ પોલીસે ખંડન કર્યું હતું.
કોલકાતાના પોલીસ વડા વિનીત ગોયેલે પત્રકાર પરિષદ માં જણાવ્યું કે હતભાગી પીડિતાની ઓટોપસી મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કેસમાં ફેલાવવામાં આવતી અનેક પ્રકારની ખોટી માહિતીઓને કારણે લોકોમાં મૂંઝવણ ની સ્થિતિ સર્જાઈ છે.
તેમણે પીડિતાના શરીરમાંથી 150 ગ્રામ વીર્ય મળ્યું હોવાના અને આ કેસ ગેંગરેપનો હોવાના અહેવાલ તદન ખોટા ગણાવ્યા હતા. આ ખોટી માહિતી કોની પાસે કેવી રીતે આવી તે અંગે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મહિલાના શરીર પર ની ઈજાઓ અંગે પણ અનેક ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલાના પેડુ અને કમરમાં ફેક્ચર હોવાના સમાચારો પણ ખોટા હોવાનું તેમણે જણાવ્યું હતું તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મહિલાના શરીરમાં એક પણ સ્થળે ફ્રેક્ચર જણાયું નથી.
સંદિગ્ધ તબીબોનાના નામો અંગે ભ્રામક પ્રચાર
આ કોલેજનો એક જુનિયર ડોક્ટર પશ્ચિમ બંગાળના એક શક્તિશાળી રાજકારણીનો પુત્ર હોવાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર થયો હતો. પોલીસવડાએ જણાવ્યું કે જેનું નામ ઉછાળવામાં આવે છે તે ડોક્ટર કોઈ રાજકારણીનો નહીં પરંતુ બાંકુરાના એક શિક્ષકનો પુત્ર છે. એ જ રીતે અન્ય સંદિગ્ધ તબીબોના નામ પણ વહેતાં કરવામાં આવ્યા છે. પોલીસવડાએ જો કે ખુલાસો કર્યો કે એક પણ તપાસનીશ એજન્સી કે સીબીઆઇએ આ કેસમાં ધરપકડ કરાયેલા શખ્સ સિવાય અન્ય કોઈના નામ પોતાના રિપોર્ટમાં આપ્યા નથી.
‘અકુદરતી મૃત્યુ’ અંગે ઇરાદાપૂર્વક અપપ્રચાર: પોલીસવડાનો આક્ષેપ
આ ઘટનાની નોંધ અ કુદરતી મૃત્યુ અંગે કરીને પોલીસ બનાવને આપઘાતમાં ખપાવવાની કોશિશ કરી હોવાના આક્ષેપો પાયાવિયાણા હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હત્યા એ પણ અ કુદરતી મૃત્યુ જ છે. સીઆરપીસી ની 174મી કલમ હેઠળ આપઘાત,હત્યા અને અકસ્માતમાં થયેલા મૃત્યુને કુદરતી મૃત્યુ માનવામાં આવે છે. આવા કિસ્સામાં જ્યાં સુધી તાત્કાલિક ફરિયાદ ન થાય ત્યાં સુધી અકુદરતી મૃત્યુની નોંધ કરવામાં આવે છે અને એ એક સામાન્ય પ્રક્રિયા છે તેવો ખુલાસો કરી તેમણે પોલીસના ઈરાદા અંગે અપપ્રચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.