ઈરાન યુદ્ધમાં અમેરિકાના લેસર શસ્ત્રોની એન્ટ્રી, હોર્મુઝમાં ઈરાની હુમલાઓ સામે નવતર પ્રયોગ
મિસાઇલ કરતાં ઓછા ખર્ચે ડ્રોન અને ક્રૂઝ મિસાઇલને નષ્ટ કરવાનો દાવો
હોર્મુઝની ખાડી અને મધ્ય પૂર્વ વિસ્તારમાં અમેરિકી સેનાએ ઈરાનના ડ્રોન હુમલાનો સામનો કરવા હાઇ-એનર્જી લેસર શસ્ત્રોનો ઉપયોગ શરૂ કર્યો હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવાયું છે. આ સિસ્ટમો ડ્રોન અને કેટલીક ક્રૂઝ મિસાઇલોને ઓછા ખર્ચે નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે આ શસ્ત્રોના સંચાલન માટે સુધારેલા Xbox ગેમિંગ કન્ટ્રોલરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અમેરિકી સૈન્ય છેલ્લા કેટલાક વર્ષોથી ડાયરેક્ટેડ એનર્જી (Directed Energy) ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. લેસર શસ્ત્રોમાં જનરેટર અથવા બેટરીમાંથી મળતી ઊર્જાને પ્રકાશકિરણોમાં રૂપાંતરિત કરીને એક કેન્દ્રિત બીમ તૈયાર કરવામાં આવે છે. આ બીમ નિશાન પર એટલી ગરમી પેદા કરે છે કે ડ્રોન અથવા અન્ય લક્ષ્યની સિસ્ટમો નિષ્ફળ બની જાય અથવા તે નષ્ટ થઈ જાય.
અહેવાલ મુજબ, મધ્ય પૂર્વમાં તૈનાત કેટલીક અમેરિકી નૌકાઓ પર આવી લેસર સિસ્ટમો લગાવવામાં આવી છે. મહત્વનું એ છે કે પરંપરાગત મિસાઇલ સિસ્ટમોની સરખામણીએ દરેક હુમલા માટે અલગ ઇન્ટરસેપ્ટર મિસાઇલની જરૂર પડતી નથી, જેના કારણે લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો શક્ય બને છે. જોકે આ ટેક્નોલોજીના વિકાસ અને તૈનાતી પાછળ અમેરિકી સૈન્યે અત્યાર સુધીમાં કરોડો ડોલરનું રોકાણ કર્યું છે.
લેસર ટેક્નોલોજીના નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં આ પ્રકારની સિસ્ટમો વાયુસુરક્ષા ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમ છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ છે. ભારે વજન, વિશાળ વીજશક્તિની જરૂરિયાત અને ધૂળ, ધુમ્મસ કે ખરાબ હવામાન જેવી પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતામાં ઘટાડો જેવા પડકારો હજુ પણ યથાવત છે. એક સાથે મોટી સંખ્યામાં છોડવામાં આવેલા ડ્રોન સામે પણ તેની અસરકારકતા મર્યાદિત હોઈ શકે છે.
Xbox કન્ટ્રોલરથી થાય છે સંચાલન
અમેરિકી સૈન્ય આ લેસર શસ્ત્રોના સંચાલન માટે સુધારેલા Xbox ગેમિંગ કન્ટ્રોલરોનો ઉપયોગ કરે છે. સૈન્યના અધિકારીઓનું માનવું છે કે ગેમિંગ ઉદ્યોગ પહેલેથી જ સરળ અને અસરકારક કન્ટ્રોલ સિસ્ટમ વિકસાવી ચૂક્યો છે, તેથી નવી નિયંત્રણ વ્યવસ્થા બનાવવાને બદલે Xbox જેવા કન્ટ્રોલરનો ઉપયોગ વધુ વ્યવહારુ છે. લેસર યુદ્ધ ટેક્નોલોજી પર નજર રાખતા નિષ્ણાત જેરેડ કેલરના જણાવ્યા મુજબ, વીડિયો ગેમ્સમાં લેસર શસ્ત્રો ચલાવવાનો અનુભવ ધરાવતી વ્યક્તિ માટે આવી સિસ્ટમોના મૂળભૂત નિયંત્રણો સમજવા સરળ બની શકે છે.
આ પણ વાંચો: ખોટુ બોલીને પોલિસી વેંચનાર એજન્ટનું કમિશન પરત લેવાશે
મેક્સિકોથી મધ્ય પૂર્વ સુધી ઉપયોગ
નિષ્ણાતોના જણાવ્યા મુજબ લેસર સિસ્ટમોનો ઉપયોગ વિવિધ સુરક્ષા કામગીરીમાં કરવામાં આવ્યો છે અને મધ્ય પૂર્વમાં અમેરિકી યુદ્ધજહાજો પર પણ તે તૈનાત છે. જોકે અત્યાર સુધી માનવ લક્ષ્યો સામે તેનો ઉપયોગ થયાનો કોઈ જાહેર પુરાવો નથી. સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે પૂરતી ઊર્જા ઉપલબ્ધ હોય તો આવી સિસ્ટમો ગોળા-બારૂદના જથ્થા પરની નિર્ભરતા ઘટાડી શકે છે અને સૈન્ય પુરવઠા વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવી શકે છે.
HELIOS શું છે?
HELIOS (High-Energy Laser with Integrated Optical Dazzler and Surveillance) અમેરિકાની અદ્યતન લેસર શસ્ત્ર પ્રણાલી છે. અંદાજે 60 કિલોવોટ ક્ષમતાવાળી આ સિસ્ટમ ડ્રોન સહિતના હવાઈ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. બીજી તરફ બોઇંગે વિકસાવેલી CLWS (Compact Laser Weapon System) પણ ડ્રોન વિરોધી કામગીરી માટે જાણીતી છે. જોકે આ પ્રકારની સિસ્ટમો ભારે હોવાથી હાલમાં મુખ્યત્વે યુદ્ધજહાજો અથવા સ્થિર પ્લેટફોર્મ પર જ તૈનાત કરવામાં આવે છે.
