મોસાદે ગોઠવ્યા હતા દરેક પેજરમાં ત્રણ ગ્રામ વિસ્ફોટકો: હેઝબોલ્લાહનો આક્ષેપ
હેઝબોલ્લાહ પરના પેજર એટેકથી દુનિયા દંગ
એક જ સમયે એક સાથે ત્રણ હજાર પેજર ફાટ્યા: 11ના મોત,2800 ઘાયલ,170 ગંભીર
લેબેનોનમાં હેઝબોલ્લાહ પર થયેલા અભૂતપૂર્વ સામૂહિક પેજર એટેકની ઘટનાએ સમગ્ર વિશ્વને દંગ કરી દીધું છે. મંગળવારે બપોરે એક જ સમયે એક સાથે 3000 કરતાં વધારે પેજરમાં વિસ્ફોટ થતાં 11 લોકોના મૃત્યુ થયા હતા. 2808 લોકો ઘાયલ થયા હતા જેમાંથી 170 ની હાલત ગંભીર છે. વિશ્વના ઇતિહાસમાં આ અગાઉ કદી ન થયો હોય એવા આ હુમલા પાછળ ઇઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદનો હાથ હોવાનો હેઝબોલ્લાહએ આક્ષેપ કર્યો હતો.
આ બનાવ અંગે હેઝબોલ્લાહના પ્રવક્તા એ મોડેથી નિવેદન આપ્યું હતું જેમાં ઇઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદે ઉત્પાદન પ્રક્રિયા સમયે જ દરેક પેજરમાં ત્રણ ગ્રામ વિસ્ફોટક ગોઠવી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.
હેઝબોલ્લાહના ટોચના સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર તેમના દ્વારા તાઇવાનની ગોલ્ડ એપોલો કંપનીને AP 924 બ્રાન્ડના 5,000 પેજર બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ વર્ષના પ્રારંભે તેની ડિલિવરી કરવામાં આવી હતી.નોંધનીય છે કે મોબાઈલ ફોનની શોધ થયા પહેલા સમગ્ર વિશ્વમાં સંદેશા વ્યવહાર માટે પેજરનો બહોળો ઉપયોગ થતો હતો. સંદેશા વ્યવહારના અન્ય સાધનો કરતા ગુપ્તતા ની દ્રષ્ટિએ પેજર વધુ સલામત હોવાને કારણે હેઝબોલ્લાહના સભ્યો આ સાધનનો ઉપયોગ કરતા હતા.આ ઘટના બાદ હેઝબોલ્લાહએ તેના તમામ સભ્યો તથા નાગરિકોને એ ડીવાઈસનો નાશ કરી દેવાની સૂચના આપી હતી.
મોસાદે કઈ કારીગીરી કરી?
એવું માનવામાં આવે છે કે પેજર ઉત્પાદક કંપનીમાં પગ પેસારો કરી મોસાદના એજન્ટો દ્વારા ઉત્પાદન પ્રક્રિયા સમયે ત્રણ ગ્રામ વિસ્ફોટક સાથેનું બોર્ડ ગોઠવી દેવામાં આવ્યું હતું. એ બોર્ડ મોસાદ દ્વારા મોકલવામાં આવતો મેસેજ રિસીવ કરે અને તે સાથે જ વિસ્ફોટ થાય તેવી ટેકનિક અપનાવવામાં આવી હતી. મંગળવારે મોસાદે એક કોડેડ મેસેજ મોકલ્યો હતો અને તે સાથે જ બધા પેજરમાં વિસ્ફોટ થયા હતા. આ ઘટનાએ ઇઝરાયેલ ની ખતરનાક જાસુસી સંસ્થા મોસાદની પહોંચ કેટલી છે તેનું નવું પ્રમાણ આપ્યું છે.
પેજર અમે નથી બનાવ્યા: તાઇવાનની કંપનીનો દાવો
તાઇવાનની ગોલ્ડ એપોલો કંપનીના સ્થાપક હસ્યુ ચિંગ કોંગોએ આ પેજર તેમની કંપનીએ ન બનાવ્યા હોવાનું જણાવ્યું અને હાથ ખંખેરી નાખ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તેમની કંપનીનું લાઇસન્સ ધરાવતી અને બ્રાન્ડ નેમ નો ઉપયોગ કરવાની છૂટ ધરાવતી યુરોપની BAC નામની કંપનીએ આ પેજર બનાવ્યા હતા. પેજર ની ડિઝાઇન કે તેના ઉત્પાદનમાં તેમની કંપનીની કોઈ ભૂમિકા ન હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે પેજર બનાવનારા કંપની યુરોપના કયા દેશમાં કાર્યરત છે તે જણાવવાનો તેમણે ઇન્કાર કર્યો હતો.
લેબેનોનમાં અંધાધુંધી,ભયનો માહોલ: હોસ્પિટલો ઘાયલોથી ઉભરાઈ
પેજર એટેકે લેબેનોન અને હેઝબોલ્લાહને હચમચાવી નાખ્યા હતા. સમગ્ર દેશમાં અંધાધુંધી સાથે ભારે ભયનો માહોલ સર્જાયો હતો. શું થઈ રહ્યું છે એ પહેલા તો કોઈને સમજાયું નહોતું. એક સાથે અનેક સ્થળેથી પેજરો ફાટવાના સમાચાર મળવાના શરૂ થતાં હેઝબોલ્લાહ સ્તબ્ધ બની ગયું હતું. બનાવ બાદ હોસ્પિટલો ઘાયલોથી ઉભરાઈ ગઈ હતી. સતાવાળાઓ દ્વારા લોકોને રક્તદાનની અપીલ કરવામાં આવી હતી. રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગાજતા રહ્યા હતા. નજરે જોનારના જણાવ્યા અનુસાર અનેક લોકો લોહીવાળા અલખના રસ્તા પર જ ઢળી પડ્યા હતા.