ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!
માણસ કદાચ હોનારત અને નસીબના ખેલને સમજી શકે છે, પરંતુ એક મૂક પ્રાણી માટે તેના પોતાના અચાનક ગાયબ થઈ જવાની પીડા શબ્દોતીતી હોય છે. નેપાળના ત્રિશૂલી બજારમાં આવેલી કુદરતી આફતે માનવસર્જિત સંબંધો અને વફાદારીની એક એવી ભાવુક દાસ્તાન છોડી છે, જે પથ્થરદિલ ઇન્સાનને પણ હચમચાવી દેવા માટે પૂરતી છે.
ત્રિશૂલી બજારમાં પ્રલય અને ચાર મકાનોનો ખાત્મો
નેપાળમાં ગત અઠવાડિયે ઘાતક પૂર અને આફતનું મોજું ફરી વળ્યું હતું. આ ભીષણ હોનારતે ત્રિશૂલી બજારની આખી વસાહતને પળભરમાં તબાહ કરી દીધી છે. પૂરના ભયાનક વહેણમાં ચાર મોટા મકાનો તણાઈ ગયા હતા અને તેમાં રહેતા નાગરિકો પણ ગુમ થઈ ગયા છે. આ ઉજ્જડ અને કાદવથી ખરડાયેલા કાટમાળ વચ્ચે એક કાળો અને સફેદ રંગનો શ્વાન હજુ પણ એ જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠો છે, જ્યાં ક્યારેક તેનું ઘર અને હસતું રમતું આંગણું હતું.
જેસીબીના અવાજ વચ્ચે પણ જગ્યા ન છોડનાર વફાદાર મિત્ર
આસપાસ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મોટા-મોટા જેસીબી મશીનોના કર્કશ અવાજો અને રેસ્ક્યુ ટીમોની ભાગદોડ વચ્ચે પણ આ શ્વાન પોતાની જગ્યા છોડવારાજી નથી. રાહત કામગીરીમાં જોડાયેલા સ્વયંસેવકોએ તેને ત્યાંથી હટાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તેને પ્રેમથી બિસ્કિટ આપવામાં આવ્યા અને અલગ-અલગ નામોથી બોલાવવામાં આવ્યો, પરંતુ તેણે ખાવા તરફ પણ નજર નાખી નહીં. તે વારંવાર દોડીને એ જ જગ્યા પર પહોંચી જાય છે જે ક્યારેક તેના ઘરનો મુખ્ય દરવાજો હતો.
આ પણ વાંચો: નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો: 962થી વધુના મોત, 4400 લોકો હજુ સંપર્કવિહોણા
ભીડથી દૂર અને શાંતિમાં અપાતો મૂક સહારો
આ તબાહ થયેલા ચાર મકાનોના કાટમાળ વચ્ચે આ શ્વાન અસલ કયા પરિવારનો હતો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. તે લોકોની ભારે ભીડ અને હોબાળા વચ્ચે ખોરાક કે પાણી લેતો નથી. આ વાત સમજીને સ્થાનિક લોકો હવે જ્યારે માહોલ શાંત થાય છે ત્યારે તેના માટે સૂકો ખોરાક અને પાણી મૂકી જાય છે. જ્યાં પૂરના ડરથી અન્ય પ્રાણીઓ અને શ્વાન ઊંચા તથા સુરક્ષિત સ્થળોએ ભાગી છૂટ્યા હતા, ત્યાં આ શ્વાન માત્ર પોતાના માલિકો અને ઘરની યાદમાં ત્યાં જ અડગ ઊભો છે.
હોનારતનો મૌન સાક્ષી અને બદલાયેલી માનવતા
આ ભયાનક હોનારતમાં પોતાના સ્વજનો અને આશરો ગુમાવી ચૂકેલા સ્થાનિક લોકો હવે ખુદ આગળ આવીને આ અસહાય શ્વાનની સારસંભાળ રાખી રહ્યા છે. આ પ્રાણી કદાચ એ નથી સમજી શકતું કે તેના સ્વજનો ક્યાં ચાલ્યા ગયા, પરંતુ તેની આ અસીમ રાહ જોવાની અદા ત્રિશૂલી બજારની તારાજીનો સૌથી મોટો અને મૌન સાક્ષી બની ગઈ છે. ઘરો કદાચ ધોવાઈ ગયા છે અને સ્વજનો વિખૂટા પડી ગયા છે, પરંતુ એક વફાદાર શ્વાનની આકાંક્ષા અને પ્રતીક્ષા આજે પણ ત્યાં જીવંત છે.
આ ઘટના માત્ર એક પ્રાણીની લાચારી કે દુર્ઘટના નથી, પરંતુ તે મૂક જીવોની અગાધ વફાદારી અને પ્રેમનો જીવતો જાગતો પુરાવો છે. માનવીય સંબંધો ઘણીવાર સ્વાર્થના પલ્લામાં તોલાતા હોય છે, ત્યારે આ શ્વાન સાબિત કરી દે છે કે સાચો પ્રેમ અને વફાદારી પરિસ્થિતિ કે નસીબના મોહતાજ નથી હોતા. ત્રિશૂલી બજારની આ કરુણ કહાની કાયમ માટે ઇતિહાસમાં નોંધાઈ ગઈ છે, જ્યાં કાટમાળ વચ્ચે બેઠેલો એક શ્વાન આજે પણ માત્ર એક જ આશા સાથે જીવી રહ્યો છે કે, કદાચ તેનો માલિક પાછો ફરશે.
