એલન મસ્કની કંપની એક્સ દ્વારા કેન્દ્ર સરકાર સામે કેસ
એલન મસ્કની કંપની એક્સ દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં ભારત સરકાર વિરુધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે . જેમાં દેશના આઇટી અધિનિયમની કલમ ૭૯- ૩ બી પર સવાલો ઉઠાવાયા છે. એવો આરોપ મુકાયો છે કે આઇટી એક્ટનો ઉપયોગ કરીને કન્ટેન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા છે .
અરજીમાં એવી દલીલ કરાઇ છે કે સરકારનો આ નિયમ ગેરકાયદે છે અને એક પ્રકારની સેન્સરશીપ સિસ્ટમ બનાવે છે . આ કલમનો ઉપયોગ કરીને પ્લેટફોર્મના સંચાલનને પ્રભાવિત કરવામાં આવે છે . આ ગેરકાયદે કામ છે અને તેનાથી નુકસાની થાય છે .
એવી દલીલ પણ કરાઇ છે કે કન્ટેન્ટ હટાવવા માટે લેખિતમા કારણ બતાવવાનું હોય છે અને તે જરૂરી છે અને એ જ રીતે ફેસલો આપતા પહેલા પણ ઉચિત સુનાવણી કરવી આવશ્યક હોય છે. આ કાર્યવાહીને કાયદાકીય રીતે પડકારવાનો અધિકાર પણ આપવાનો હોય છે .
જો કે ભારત સરકારે આ બધા જ નિયમો પૈકી એક પણ નિયમનું પાલન કર્યું નથી. સરકાર આઇટી એકટની ઉપરોક્ત કલમની ખોટી અયોગ્ય વ્યાખ્યા કરી રહી છે અને તે અન્યાયી છે .
આ પહેલા મસ્કના એઆઈ ચેટબોટ ગ્રોકની કામગીરીને લઈને સરકારે સવાલો કર્યા હતા અને સવાલના જવાબમાં ચેટબોટ ગાળો બોલે છે તેવો આરોપ પુરાવા સાથે મૂક્યો હતો. આ માટે કંપની પાસે સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો છે .