મચ્છર ભગાડવા માટે વપરાતી મોસ્કિટો કોઇલ સિગારેટ કરતાં પણ વધુ હાનિકારક, થઈ શકે છે આ બીમારીઓ
મચ્છર ભગાડવા માટે વપરાતી મોસ્કિટો કોઇલથી બીમારી થવાનું જોખમ
માણસને સંગીત સાંભળવું ગમતું હોય છે પરંતુ રાત્રીના સમયે મચ્છરો કાન પાસે આવીને જે સંગીત સંભળાવે તેનાથી ભલભલાની ઊંઘ ખરાબ થઇ જાય છે. આવા મચ્છરોથી બચવા માટે સામાન્ય રીતે લોકો પહેલા મચ્છરદાની વાપરતા હતા પણ હવે મોસ્કિટો કોઈલનો વધુ ઉપયોગ કરે છે. જો કે, આ કોઈલ માણસના જ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે એ વાત પણ ભૂલવી ન જોઈએ.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, મોસ્કિટો કોઇલમાં એલિથરિન અને પાયરેથ્રોઇડ્સ જેવા એક્ટિવ ઘટકો હોય છે, જે મચ્છર દૂર રાખવામાં અસરકારક છે. જો કે, જ્યારે આ મચ્છર ભગાડવાની કોઇલ સળગાવવામાં આવે છે, ત્યારે તેમાંથી કેટલાક અતિ સૂક્ષ્મ કણો મુક્ત થાય છે. આ કણોમાં ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝિન અને પોલિસાયક્લીક એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) જેવા હાનિકારક રસાયણો હોય છે. આ કેમિકલ માનવ સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો કરી શકે છે.
શ્વાસ સંબંધિત સમસ્યા
કેટલાક હેલ્થ રિપોર્ટ સૂચવે છે કે, મોસ્કિટો કોઇલ થી શ્વાસ સંબંધિત સમસ્યાઓ સૌથી સામાન્ય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિને અસ્થમા કે બ્રોન્કાઇટિસ હોય તો આ લોકો માટે જોખમ વધી જાય છે. જ્યારે તમે આ મોસ્કિટો કોઇલ સળગાવો છો, ત્યારે તે પાયરેથ્રિન જંતુનાશકો, ડાયક્લોરો ડિફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન (ડીડીટી) અને કાર્બન ફોસ્ફરસ જેવા હાનિકારક પદાર્થો મુક્ત કરે છે.
ખાસ કરીને જો તમે મોસ્કિટો કોઇલ બંધ રૂમમાં સળગાવો છો તો આખા રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ભરાઇ જાય છે, તેનાથી ઓક્સિજનની માત્રા ઓછી થઇ જાય છે. લાંબા સમય સુધી આ રૂમમાં રહેવાથી વ્યક્તિને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અથવા ગૂંગળામણને કારણે મૃત્યુનું જોખમ પણ વધી જાય છે.
કેન્સર નું જોખમ
જાણીને આશ્ચર્ય થશે, પરંતુ મચ્છર ભગાડનાર કોઇલના લાંબા ગાળાના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ પણ વધી શકે છે. ઉપર જણાવ્યા પ્રમાણે આ કોઇલ માંથી ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝિન જેવા કેમિકલ મુક્ત થાય છે. તે જ સમયે, ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (આઇએઆરસી) એ આ રસાયણોને કાર્સિનોજેન્સ તરીકે માન્યતા આપી છે. એટલે કે, આ રસાયણો કેન્સર, ખાસ કરીને ફેફસાના કેન્સર થવાનું જોખમ વધારી શકે છે.
સિગારેટ કરતાં પણ વધુ હાનિકારક
એટલું જ નહીં, સિડની યુનિવર્સિટીના એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે મચ્છર ભગાડનાર કોઇલ સળગાવવાથી 100 જેટલી સિગારેટનો ધુમાડો નીકળે છે. એટલે કે મોસ્કિટો કોઇલ હેલ્થ માટે સિગરેટ કરતા પણ વધારે ખતરનાક છે.