ભવ્યતાના મોહમાં દિવ્યતાનો ભોગ?
૪૦૦૦ કરોડના બજેટ અને ઇતિહાસની સૌથી ખર્ચાળ ફિલ્મના દાવો વચ્ચે નિતેશ તિવારીની ‘રામાયણ’ નું ટ્રેલર કેમ નિરાશ કરે છે?
ગુરુવારે બ્રહ્મમુહુર્તમાં જ્યારે નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રાની બહુપ્રતિક્ષિત ‘રામાયણ’ નું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે અપેક્ષાઓનો પહાડ બહુ ઊંચો હતો. હોલીવુડના માસ્ટરપીસ ગણાતા હોમરના મહાકાવ્ય ‘ઓડિસી’ (Odyssey) ના ભારતીય જવાબ તરીકે આ ફિલ્મને ગ્લોબલ માર્કેટમાં પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. સોની પિક્ચર્સ અને DNEG જેવી વિશ્વસ્તરીય કંપનીઓના બેકિંગ સાથે બનેલી આ ફિલ્મનું સ્કેલ નિઃશંકપણે ભવ્ય છે. લંકાનું સર્જન અને રાવણનો અહંકાર સ્ક્રીન પર આંખો આંજી દે છે. પરંતુ, જ્યારે વાત રામાયણની હોય, ત્યારે ભારતીય દર્શક માત્ર ૪૦૦૦ કરોડના વીએફએક્સ (VFX) નો નહીં, પણ ‘ભાવ’ નો ભૂખ્યો હોય છે. એક ક્રિટિક અને સરેરાશ રામભક્ત તરીકે ટ્રેલરનું પોસ્ટમોર્ટમ કરીએ, તો તેમાં મિસકાસ્ટિંગ, અતાર્કિક CGI અને પાત્રોના આત્માનો સ્પષ્ટ અભાવ દેખાઈ આવે છે.
‘આદિપુરુષ’ નામની દુર્ઘટના પછી બોલીવુડ પાસે રામાયણને ન્યાય આપવાની આ અંતિમ તક છે. નમિત મલ્હોત્રા (DNEG) અને નિતેશ તિવારીની જોડીએ આ પ્રોજેક્ટ પાછળ વર્ષોની મહેનત અને અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. ટ્રેલર જોતાં એક વાત સ્પષ્ટ છે કે મેકર્સે કંઈ છુપાવવાનો પ્રયાસ નથી કર્યો, જે તેમનો આત્મવિશ્વાસ બતાવે છે. કલર પેલેટ આંખોને ઠંડક આપે તેવો સૌમ્ય છે. ડાર્ક અને નીરસ સિનેમેટોગ્રાફીના જમાનામાં આ ચટક રંગો ગમે તેવા છે.
પરંતુ, ટ્રેલર પૂરું થતાં જ એક વિચિત્ર ખાલીપો વર્તાય છે. જે કથા સદીઓથી ભારતીયોના હૃદયમાં ધબકે છે, તે સ્ક્રીન પર અત્યંત ‘પ્લાસ્ટિક’ અને મીકેનીકલ લાગે છે. રામાયણની કથા માત્ર દેવ અને દાનવ વચ્ચેના યુદ્ધની નથી, તે મર્યાદા, ત્યાગ અને સમર્પણની કથા છે. જ્યારે શેરીની ‘રામલીલા’ કે આશુતોષ રાણાનું ‘હમારે રામ’ જેવું થિયેટર નાટક દર્શકોની આંખમાં આંસુ લાવી શકતું હોય, તો ૪૦૦૦ કરોડની ફિલ્મ કેમ હૃદયના તાર ઝંકૃત કરી શકતી નથી?
ગ્લોબલ બિઝનેસ ડીલ: ‘ભારતની ઓડિસી’ નું બ્રાન્ડિંગ
સૌથી પહેલા આ ફિલ્મના અર્થશાસ્ત્ર અને વ્યાપને સમજીએ. આ માત્ર એક ભારતીય ફિલ્મ નથી, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીક મહાકાવ્ય ‘ઓડિસી’ ની સમકક્ષ મૂકવામાં આવી રહી છે. સોની પિક્ચર્સ જેવા ગ્લોબલ સ્ટુડિયોનું આમાં સીધું ઇન્વોલ્વમેન્ટ છે.
માહિતી મુજબ, આ ફિલ્મ બે ભાગમાં બનશે અને તેનું કુલ બજેટ ૪૦૦૦ થી ૫૦૦૦ કરોડ રૂપિયાની વચ્ચે આંકવામાં આવી રહ્યું છે! આ ફિલ્મને ભારત અને વિદેશની મળીને કુલ ૧૦,૦૦૦ થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવાનું મહાકાય આયોજન છે. તે હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, અંગ્રેજી અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ડબ થઈને ગ્લોબલ બોક્સ ઓફિસ પર ભારતીય સિનેમાનો સૌથી મોટો દાવ રમવા જઈ રહી છે. બિઝનેસની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.
કાસ્ટિંગનો લોચો: મિસકાસ્ટ રામ અને નિસ્તેજ સીતા
ફિલ્મનું સૌથી નબળું પાસું તેનું કાસ્ટિંગ છે. રણબીર કપૂર એક ઉત્તમ અભિનેતા છે, પરંતુ શ્રીરામના પાત્રમાં તેઓ તદ્દન મિસકાસ્ટ લાગે છે. તેમના ચહેરા પર ૨૫ વર્ષના યુવાન રામનું તેજ અને સૌમ્યતા ગાયબ છે. આશ્ચર્યની વાત એ છે કે ‘સંજુ’ ફિલ્મમાં રણબીરને ડી-એજિંગ (De-aging) કરીને નાનો બતાવી શકાતો હોય, તો વિશ્વની શ્રેષ્ઠ VFX કંપની DNEG ના માલિકની પોતાની ફિલ્મમાં રામને યુવાન બતાવવા ડી-એજિંગનો ઉપયોગ કેમ ન થયો?
બીજી તરફ, સીતાજીના રૂપમાં સાઈ પલ્લવી અત્યંત નિસ્તેજ અને થાકેલી લાગે છે. સાદગીના નામે મેકર્સે સીતાના પાત્રમાંથી દિવ્યતા જ ગાયબ કરી દીધી છે. કમાલની વાત તો એ છે કે ટ્રેલરમાં શૂર્પણખાનું પાત્ર સીતા કરતાં વધુ સુંદર અને આકર્ષક લાગી રહ્યું છે! રાવણ જેવો મહાજ્ઞાની અને શક્તિશાળી રાક્ષસ સીતાના આવા સામાન્ય રૂપ પર મોહિત થઈને આખી લંકા દાવ પર લગાવી દે, તે વાત ગળે ઉતરતી નથી. અને સૌથી મોટો આંચકો એ છે કે આખા ટ્રેલરમાં લક્ષ્મણની કોઈ ઝલક જ નથી! રામાયણમાં રામનો પડછાયો ગણાતા લક્ષ્મણને જ ટ્રેલરમાંથી ગાયબ કરી દેવો એ કયા પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે?
રાવણનો દબદબો અને ‘નબળો અવાજ’
ટ્રેલરમાં જો કોઈ વસ્તુ સાચા અર્થમાં પ્રભાવિત કરતી હોય તો તે છે યશનું રાવણ તરીકેનું રૂપ. ઇન્દ્રના ઐરાવત હાથીને પછાડવાનો સીન હોય કે કુબેરની લંકા પર કબ્જો જમાવવાનો સીન—યશની બોડી લેંગ્વેજ અને તેનો અહંકાર સ્ક્રીન ફાડીને બહાર આવે છે. જટાયુ અને રાવણ વચ્ચેનું યુદ્ધ, તેમજ વિદ્યુતજિહ્વ (વિવેક ઓબેરોય) સાથેની લડાઈ ઇન્ટેન્સ છે.
પરંતુ, અહીં પણ એક ખામી આંખે ઊડીને વળગે છે. યશનો અવાજ રાવણના શારીરિક સૌષ્ઠવ સાથે બિલકુલ મેચ નથી થતો. રાવણના અવાજમાં જે નાદ, જે ઘેરાશ અને જે પડઘો હોવો જોઈએ, તેની જગ્યાએ યશનો અવાજ અત્યંત પાતળો અને દબાયેલો લાગે છે. વૉલ્યુમ વધારીને સાંભળીએ તો પણ એ અવાજમાં લંકાપતિનો રૌદ્ર રસ અનુભવાતો નથી.
CGI નો ઓવરડોઝ : જ્યારે હવનની આગ પણ નકલી બને!
નમિત મલ્હોત્રાની કંપની ગ્લોબલ લેવલે બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે જાણીતી છે, પરંતુ આ ફિલ્મમાં CGI (Computer-Generated Imagery) અને AI નો એટલો બધો અતિરેક થયો છે કે મૌલિકતા અને ઓથેન્ટીસીટી દબાઈ ગઈ છે. દાનવોના ચહેરા હજુ પણ રિયાલિસ્ટિક લાગવાને બદલે કાર્ટૂનિશ લાગે છે.
પરંતુ હદ તો ત્યારે થાય છે જ્યારે આશ્રમના એક દ્રશ્યમાં હવનકુંડમાંથી નીકળતી આગ (Fire) પણ VFX થી બનાવવામાં આવી છે! ૪૦૦૦ કરોડના બજેટવાળી ફિલ્મમાં જો ડિરેક્ટર લાકડાં સળગાવીને સાચી આગ ન પ્રગટાવી શકે, અને રાજા દશરથ બનેલા લેજન્ડરી અરૂણ ગોવિલના ચહેરા પર નકલી દાઢી સ્પષ્ટ પકડી શકાતી હોય, તો આ પ્રોડક્શન ડિઝાઇન પર બહુ મોટા સવાલ ઊભા થાય અને લોકો સોશ્યલ મીડિયા ઉપર ટીકા કરે તે સ્વાભાવિક છે.
ઓવરઓલ, નિતેશ તિવારીની રામાયણનું ટ્રેલર એ ‘મિક્સ્ડ બેગ’ છે. તેમાં હોલીવુડના સ્તરનું ગ્રાન્ડિયર (Grandeur) છે, પુષ્પક વિમાન અને લંકાની ડિઝાઇન અદભુત છે, બેકગ્રાઉન્ડ સ્કોરમાં દેશી વાદ્યોનું મિશ્રણ કાનમાં કંપન પેદા કરે છે, અને હંસ ઝિમર (Hans Zimmer) ના સંગીતની સારી અસર વર્તાય છે.
પરંતુ, જો તમે કોઈ પૌરાણિક કથાના પાત્રો સાથે ઇમોશનલી કનેક્ટ જ ન થઈ શકો, તો બધો ખર્ચો પાણીમાં જાય છે. ક્યાંક મેકર્સ વિઝ્યુઅલ એક્સ્ટ્રાવેગેન્ઝા (દ્રશ્યોની ભવ્યતા) ઊભી કરવાની લ્હાયમાં રામાયણનો આત્મા મિસિંગ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નહિ નીવડે, પણ તે દર્શકોના મનમાં એ ચિરંતન સ્થાન બનાવી શકશે કે કેમ, તે એક બહુ મોટો સવાલ છે.
સિનેમેટિક રામાયણનું અર્થશાસ્ત્ર અને વ્યાપ
વૈશ્વિક રિલીઝ મોડેલ: હોલીવુડની ‘માર્વેલ’ (Marvel) સિરીઝના મોડેલ પર સોની પિક્ચર્સ આ ફિલ્મને વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યુટ કરશે. અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં તેને એક ‘માયથોલોજિકલ થ્રિલર’ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેથી નોન-ઇન્ડિયન ઓડિયન્સ પણ તેની તરફ આકર્ષાય.
હેવી ગ્રાફિક્સ અને ટાઈમલાઈન: ફિલ્મનું શૂટિંગ ગ્રીન અને બ્લુ સ્ક્રીન પર મોટાપાયે થયું છે. અયોધ્યાના મહેલોથી લઈને દંડકારણ્યનું જંગલ—બધું જ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને AI ના સમન્વયથી બન્યું છે. જોકે, ફાઇનલ રેન્ડરિંગમાં હજુ ફિનિશિંગ બાકી હોવાનું ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે.
સૌથી મોટો સસ્પેન્સ: 4 મિનિટથી લાંબા આ ટ્રેલરમાં મેકર્સે રામ, સીતા અને રાવણ પર જ ફોકસ કર્યું છે. શ્રી હનુમાનજી અને વાનરસેના હજુ બતાવ્યા નથી. બની શકે કે અમુક ઈફેક્ટસ અને સરપ્રાઈઝ હજુ થિયેટર માટે સાચવી રાખવામાં આવ્યા હોય!
