- જયારે કોર્ટે કહેવું પડ્યુ, મોજશોખ માટે ભરણપોષણ ન મગાય, જાતે કમાઈને વાપરો
- -મહિલાએ પતિ પાસે સેન્ડલ અને ડ્રેસ ખરીદવા માટે ૧૫ હજાર, ભોજન માટે ૬૦ હજાર અને સારવાર માટે ૪-૫ લાખ મળી મહિને ૬.૧૩ લાખનું ભરણપોષણ માગ્યુ હતુ
બેંગ્લોર
બેંગલુરુની એક મહિલાએ ડિવોર્સ બાદ પતિ પાસેથી ભરણપોષણ માટે 6 લાખથી વધુની રકમ માંગી હતી. તેને સાંભળીને ન્યાયાધીશ પણ ચોંકી ગયા હતા અને કહ્યું હતું કે, મોજશોખ પુરા કરવા માટે આટલી રકમ માગવાની ન હોય, આ માટે જાતે કમાઈને વાપરો.
મહિલાના વકીલે ભરણપોષણ માટે માંગેલી 6 લાખથી વધુ રકમની વિગતો આપતાં જણાવ્યું કે તે આ રકમ કયા ખર્ચ કરી રહી છે. અને સાથે જ જણાવ્યું કે આ રકમ પતિને આપવા આદેશ આપવામાં આવે કારણ કે પતિ સારી કમાણી કરે છે.
મહિલાના વકીલે તેનો ખર્ચ ગણાવતા જણાવ્યું હતું કે 15 હજાર રુપિયા શુઝ-સેન્ડલ અને ડ્રેસ વગેરે માટે, 60 હજાર રુપિયા ભોજન માટે માંગ્યા હતા. આ સાથે જ મહિલાને ઘૂંટણનો દુખાવો હોવાથી 4થી 5 લાખ રુપિયા સારવાર માટે માંગ્યા હતા. આ પ્રકારે કુલ થઈને મહિલાએ ભરણપોષણનો 6 લાખ 16 હજાર રુપિયાનો દાવો કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન મહિલાના ખર્ચની વિગતો જાણીને ન્યાયાધીશ પણ ચોંકી ગયા. તેમણે કહ્યું કે આ માંગણી યોગ્ય નથી. જો તેને ખર્ચ કરવાનો આટલો શોખ છે તો તે જાતે પણ કમાઈ શકે છે. તેને પતિ પાસેથી જ શા માટે જોઈએ છે ? તમારી ઉપર તો કોઈ જવાબદારી પણ નથી. બાળકો પણ મોટા નથી કરવાના. તમારે માત્ર તમારા માટે જ પૈસા જોઈએ છે.
આ સાથે ન્યાયાધીશે જણાવ્યું કે યોગ્ય દલીલો સાથે બીજી વાર આવો. ભરણપોષણ માટે યોગ્ય માસિક ખર્ચની માંગ કરો નહિ તો આ અરજી જ ફગાવી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર 2023 ના રોજ બેંગલુરુ ફેમિલિ કોર્ટે મહિલાને 50 હજાર પ્રતિ મહિના ભરણપોષણ તરીકે આપવાનો આદેશ આપ્યો હતો. જો કે આ આદેશ પર મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી. તેનું કહેવું હતું કે તેના પતિ સારું કમાતો હોવાથી તેને મળતી ભરણપોષણની રકમ વધારે હોવી જોઈએ.