આધ્યાત્મિક ગુરુ સદગુરુ વાસુદેવ જગ્ગીના આશ્રમમાં કયા કારણોસર પોલીસ કરી રહી છે તપાસ ??
આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની હેઠળના પ્રખ્યાત ઈશા ફાઉન્ડેશનમાં મંગળવારે એક મોટો વિવાદ ફાટી નીકળ્યો હતો જ્યારે 150 પોલીસ અધિકારીઓની ટીમે તેના થોન્ડમુથુર આશ્રમમાં તપાસ હાથ ધરી હતી. આશ્રમમાં 2 યુવતીઓને ઈચ્છા વિરુધ્ધ રખાઇ હોવાની ફરિયાદ બાદ તપાસનો અદાલત દ્વારા આદેશ થયો હતો.
કોઈમ્બતુરના સહાયક નાયબ અધિક્ષકની આગેવાની હેઠળ તપાસ મદ્રાસ હાઈકોર્ટની સૂચનાઓ પર હાથ ધરવામાં આવી હતી, જેણે ફાઉન્ડેશનને લગતા તમામ ફોજદારી કેસોનો વ્યાપક અહેવાલ માંગ્યો હતો.
ત્રણ નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) સહિતની પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી, રહેવાસીઓની ઓળખની ચકાસણી કરી અને જગ્યાની શોધખોળ કરી હતી. જો કે આ બારામાં વધુ કોઇ માહિતી અપાઈ નહતી.
પોલીસ ટીમની મુલાકાતના જવાબમાં, ઈશા યોગ કેન્દ્રે એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે પોલીસની મુલાકાત નિયમિત તપાસનો એક ભાગ છે. કોર્ટના આદેશ મુજબ જ અહીં તપાસ કરાઇ હતી.
પોલીસે રહેવાસીઓ અને સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી. તેમની જીવનશૈલી અંગે માહિતી લીધી હતી. અને તેઓ કેવી રીતે આવે છે અને જીવે છે તે બારામાં જાણકારી મેળવી હતી.