આખું કોળું શાકમાં !! ફેકટરીઓને ફાયર સેફ્ટિમાંથી મુક્તિ ? શાળા, કોલેજ, હોસ્પિટલો, હાઈરાઈઝ બિલ્ડીંગ માટે ફાયર સેફટી ફરજીયાત
રાજકોટના ગોપાલ નમકીન અને કેબીઝેડ નમકીન ફેકટરીમાં આગની ઘટના અને ત્યાર બાદ ગઈકાલે ડીસામાં ફટાકડા બનાવતી ફેકટરીમાં આગ લાગવાની ઘટના ઉપરાંત રાજકોટના એક કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ સરકારના ફાયર સેફટી કાયદાની ખામીઓ ત્રુટીઓ સામે આવી છે. રાજ્ય સરકારે શાળા, કોલેજો, હોસ્પિટલ, મોલ અને હાઈરાઈઝ બિલ્ડીંગો માટે ફાયર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેમજ ખાસ કાયદા બનાવ્યા છે પરંતુ આ કાયદામાં ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલ ફેક્ટરી કે ઔદ્યોગિક સંકુલોની બાદબાકી કરી નાખતા ફાયર સેફટીના કડક નિયમોના અભાવે આવી ફેક્ટરીઓએમાઁ આગની ઘટના બાદ ફાયર સેફટીના નિયમો અનુસાર પગલાં ન લેવામાં આવતા હોવાનું સ્પષ્ટ બન્યું છે.સાથે જ ફાયર સેફટીના રૂલ્સ રેગ્યુલેશનમાં ઉદ્યોગોની બાદબાકી થતા આખું કોળી શાકમાં જેવો ઘાટ હોવાનું પણ સામે આવ્યું છે.
રાજ્યમાં જયારે જયારે આગની મોટી દુર્ઘટના બને ત્યારે સરકાર કઈકને કંઈક નવા નવા રૂલ્સ રેગ્યુલેશન લાવી ફાયરસેફટીના નિયમોમાં ફેરફાર લાવે છે, જેમાં સુરતના તક્ષશિલા કાંડ બાદ વર્ષ 2021માં રાજ્યના શહેરી વિકાસ વિભાગે ખાસ નોટિફિકેશન બહાર પાડી હાઇરાઇઝડ બિલ્ડીંગ, હોટલ, શાળા, હોસ્પિટલ સહિતના સંકુલોને ગુજરાત ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેજર રૂલ્સ 2014 અંતર્ગત સમાવી લઈ કડક અમલવારી શરૂ કરી છે પરંતુ આ રૂલ્સ અંતર્ગત ફેક્ટરી એક્ટ અંતર્ગત નોંધાયેલ ઉદ્યોગોને જાણે મુક્તિ આપી દીધી હોય તેમ બાદબાકી કરી નાખવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. બીજી તરફ સરકારના ફાયર સેફટી રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ઔદ્યોગિક એકમોમાં ફાયરસેફટીના અભાવના કિસ્સામાં પગલાં પણ લેવામાં આવતા નથી અને બધી જવાબદારી આડકતરી રીતે ઔદ્યોગિક સલામતી વિભાગ ઉપર ઢોળી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફેક્ટરી એક્ટ હેઠળ 1949 હેઠળ નોંધાયેલ એકમોમાં સામાન્ય રીતે પ્લાન પાસ થતો હોય અને લાયસન્સ આપવાનું હોય તેવા સમયે જ ફાયરસેફટીની પ્રાથમિક સુવિધા હોવાની ચકાસણી કરી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધણી કરવામાં આવતી હોય છે. સાથે જ ઔદ્યોગિક સલામતી વિભાગ પાસે અગ્નિશમનના સાધનોની ચકાસણી કરવી કે, ફાયરસેફટી સિસ્ટમ ફિટ થયા પહેલા કે પછી ચેકીંગ કરી શકે તેવી તજજ્ઞ ટીમ પણ ન હોય ત્યારે ગુજરાત ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેજર રૂલ્સ અંતર્ગત ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલ એકમોની બાદબાકી કરી નાખવાની મોટી ભૂલ હોવાનું મનાઈ રહ્યું છે.