સૌરાષ્ટ્રના 141 ડેમમાં 55.27 ટકા જ પાણી બચ્યું !! ગત ચોમાસે શ્રીકાર વરસાદ છતાં ઉનાળામાં પાણીની કટોકટીના એંધાણ
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં 24 ટકા જ જળરાશી : રાજકોટની સ્થિતિ સારી 59.54 જળરાશીનો સંગ્રહ
રાજકોટ : ઓણસાલ ઉનાળાના પ્રારંભે જ આકરા તડકા પડવાનું શરૂ થયું છે ત્યારે જળાશયોમાં સંગ્રહાયેલા જળરાશી વહેલી બાષ્પીભવન થતા ઉનાળાના અંતભાગમાં અને ચોમાસાની શરૂઆતમાં લોકોને જળ કટોકટીનો સામનો કરવો પડે તેવા સંકેત મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 141 જળાશયો આવેલા છે.જેમાં સિંચાઈ વિભાગના સતાવાર રિપોર્ટ મુજબ 11 માર્ચની સ્થિતિએ 1430.62 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહાયેલું છે જે ટકાવારીની દ્રષ્ટિએ 55.27 ટકા થવા જાય છે.
ગાંધીનગર સિંચાઈ વિભાગના સત્તાવાર રિપોર્ટ મુજબ તા.11 માર્ચની સ્થિતિએ નર્મદા ડેમ સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં 16768.69 મિલ્યન ક્યુબિક મીટર એટલે કે, 592186.30 એમસીએફટી જળરાશી સંગ્રહિત થયેલ છે. ડેમની ક્ષમતા મુજબ હાલમાં રાજ્યમાં 66.40 ટકા જળરાશી ડેમમાં સંગ્રહિત છે. જો કે, ઉનાળામાં પડી રહેલા તડકાને કારણે જળાશયોમાંથી કાયમી થતા પાણીના ઉપાડ ઉપરાંત બાષ્પીભવનને કારણે પણ પાણી ઘટતું હોય ઉનાળામાં જળરાશીનો સંયમપૂર્વકનો ઉપયોગ જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર,રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કુલ 141 જળાશયોમાં સરેરાશ 61.16 ટકા જળરાશી બચેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી જળરાશી દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છે. ઉનાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લામાં જળ કટોકટીની સ્થિતિ સર્જાય તેમ હોવાના સંકેત મળી રહ્યા છે. જો કે,નર્મદા યોજના અને સૌની યોજનાને કારણે સરકાર આગોતરું આયોજન કરીને તમામ જિલ્લામાં પાણીની કટોકટી ન સર્જાય તેમ માટે પ્રયત્નશીલ હોવાનું પણ મનાઈ રહ્યું છે.
ક્યાં જિલ્લામાં કેટલું પાણી
અમરેલી – 54.34%
ભાવનગર – 64.33%
બોટાદ – 58.38%
દેવભૂમિ દ્વારકા -24.00%
ગીર સોમનાથ- 70.54%
જામનગર – 42.65%
જૂનાગઢ – 63.53%
મોરબી – 39.36%
પોરબંદર – 9 34.33%
રાજકોટ – 59.54%
સુરેન્દ્રનગર -39.10%