કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સામે કોણે વાંધો લીધો ? જુઓ
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની ચર્ચાસ્પદ ફિલ્મ ઇમરજન્સી 6 સપ્ટેમ્બરે સીને ઘરોમાં આવી રહી છે. જો કે ફિલ્મ રીલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. પંજાબના સાંસદ સરબજિતસિંઘ ખાલસાએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ફિલ્મની રીલીઝ અટકાવી દેવાની માંગણી કરી છે.આ સાંસદ ખાલિસ્તાની ચળવળના ટેકેદાર પણ ગણાય છે.
એમણે એવો વાંધો લીધો છે કે આ ફિલ્મમાં સિખ કોમને અયોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. જો ફિલ્મ રીલીઝ થશે તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે તેવી ચીમકી પણ એમણે આપી છે. એમણે એમ પણ લખ્યું છે કે દેશમાં સિખ કોમ અંગે નફરતભરી વાતો સામે આવતી રહે છે.
આવી સ્થિતિમાં આ ફિલ્મ સિખ સમાજ પ્રત્યે વધુ નફરત ફેલાવશે અને તંગદિલી ઊભી થવાનો ખતરો છે. સિખ લોકોએ દેશ માટે બહુ મોટા બલિદાન આપ્યા છે. આ ફિલ્મમાં આ વાતને સારી રીતે બતાવાઈ નથી અને માત્ર નફરત ફેલાય તેવો જ પ્રયાસ થયો છે તેવી ફરિયાદો મળી રહી છે.