જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નકલી શાળા મુદ્દે કોંગી સભ્યનું હલ્લાબોલ
રાજકોટ જિલ્લાની 96 ખાનગી પ્રાથમિક શાળામાં મેદાન નથી
નાણાપંચની ગ્રાન્ટ મુદ્દે પક્ષાપક્ષી કરાતો હોવાનો કોંગી સભ્ય સાકરીયાનો આક્ષેપ: જિલ્લા પંચાયત 800 ચેકડેમના રિપેરિંગ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવા સરકારમાં કરશે રજૂઆત
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરુવારે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોંગી સભ્યએ દ્વારા પીપળીયા ગામેથી મળી આવેલી નકલી શાળા મુદ્દે તડપીટ બોલાવી હતી. તો વળી નાણાપંચની ગ્રાન્ટમાં પ્રમુખ દ્વારા પક્ષાપક્ષી રાખવામાં આવતો હોવાનો સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જિલ્લાની 96 ખાનગી પ્રાથમિક શાળામાં મેદાન ન હોવાનું કોંગી સભ્યના પ્રશ્નના જવાબમાં ખૂલ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતની હયાત બિલ્ડિંગમાં છેલ્લી સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. થોડા સમય પહેલા રાજકોટ તાલુકાના પીપળીયા ગામેથી નકલી શાળા ચાલતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જે અંગે કોંગી સભ્ય મનસુખ સાકરીયાએ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી નકલી શાળા ચાલતી હોય તે ગંભીર પ્રશ્ન છે અને તંત્રને તે અંગે કોઈ જાણ નહતી. તે કેટલું યોગ્ય છે? તેમ કહી તડાપીટ બોલાવી હતી. કોંગી સભ્ય સાકરીયાએ પૂર્વ પ્રમુખ ભૂપત બોદરના વખાણ કરી કહ્યું હતું કે, તેઓ બધાને સાથે લઈને ચાલતા હતા. જ્યારે વર્તમાન પ્રમુખ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, નાણાપંચની ગ્રાન્ટમાં પક્ષાપક્ષી રાખવામાં આવે છે. જેના જવાબમાં તાલુકા મુજબ આયોજન કરવામાં આવતા હોવાનું કહી પ્રમખે આક્ષેપો ફગાવ્યાં હતા.
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પંચાયત હસ્તકના રૂ.335 કરોડના જિલ્લા વિવિધ 137 રોડની દરખાસ્ત સરકારમાં કરેલી હોય જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે મંજૂર કરવા, સિંચાઇ વિભાગ હસ્તકના નાના-મોટા 800 જેટલા ચેકડેમના રિપેરિંગ સહિતના કામ માટે સરકાર દ્વારા એક વિશેષ પેકેજ તરીકે ગ્રાન્ટ ફાળવવા, સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટ વર્ષ 2020/21 થી 2023/24માં સૂચવેલા કામોની સૈદ્ધાંતિક/વહીવટી મંજૂરી આપવામાં યાએલા કામો પૂર્ણ કરવા માટે અગાઉ તા.31/03/2024 સુધીનો મુદ્દત વધારો આપવામાં આવ્યો હતો જો કે, sor તેમજ ચુંટણી આચારસંહિતાને થઈ શક્યા ન હોય આ કામો પૂર્ણ કરવા માટે તા/31/05/2025 સુધીનો મુદ્દત વધારો કરવા ઠરાવ કરવામાં આવ્યા હતા.
આ વખતની સામાન્ય સભામાં પ્રશ્નોતરી રાખવામાં આવી હોય સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્ય મનસુખ સાકરીયાએ પ્રશ્ન ઊઠવ્યો હતો કે, રાજકોટમાં બનેલી ટીઆરપી ઝોન જેવી ઘટના જિલ્લાની શાળાઓમાં ન બને તે માટે આગોતરું આયોજન કર્યું છે કે કેમ? તે અંગેના જવાબમાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ પ્રાઇવેટ શાળાઓ કે જેમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી તેવી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
જિલ્લામાં કેટલી ખાનગી પ્રાથમિક શાળા આવે છે અને તેમાં મેદાન છે કે નહી?તે પ્રશ્નમાં જિલ્લામાં કુલ 471 પ્રાથમિક શાળા આવેલી હોવાનું અને તેમાંથી 96 શાળામાં મેદાનમાં ન હોવાનું ખૂલ્યું હતું. ભાજપના સભ્ય દક્ષાબેન રાદડીયાએ વર્ષ 2020 થી 24 દરમિયાન આટકોટ સીટના સભ્ય દ્વારા સૂચવેલા કામો કેટલા પૂર્ણ થયા છે અને કેટલા બાકી છે તેવો પ્રશ્ન ઊઠવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લા પંચાયતના નવા ભવનના બાંધકામ માટે ટૂંક સમયમાં 43 વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેની સામે કુવાડવા અને આસપાસના વિસ્તારમાં 10 વૃક્ષો વાવવામાં આવશે જે ઠરાવને તેમજ 15માં નાણાપંચ જિલ્લા કક્ષાના આયોજન વર્ષ 2024/25 અન્વયે વેન્ટેડ કોઝ વેના 30 કામો સમાવવામાં આવેલા હતા. જે ટાઈડ ગ્રાન્ટ હોય આ કામો અંગે ચેકડેમ કમ કોઝ વે હેતુફેર કરવા અંગે સુધારા દરખાસ્ત સૈદ્ધાંતિક મંજૂરી અર્થે વિકાસ કમિશનર કચેરીમાં મોકલેલી છે. જેને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.