રતન ટાટાના વારસદારો કોણ કોણ ?? જાણો તેમની વસિયતમાં કોના નામોનો ઉલ્લેખ ?
ધનાઢ્ય વ્યક્તિનું અવસાન થાય પછી એની વસિયતમાં સૌને રસ પડતો હોય છે. જો ધનાઢ્ય વ્યક્તિ પબ્લિક ફિગર હોય, સેલિબ્રિટી હોય, પાંચમા પૂછાતી હોય તો તો બધાની નજર (અને કેમેરા) તેની વસિયત તરફ મંડાયેલા રહે. અમુક કેસમાં અથવા તો ઘણા કેસમાં વિવાદો પણ થતાં હોય છે. આપણે આ જ કોલમમાં થોડા દિવસો પહેલા રુપર્ટ મર્ડોકના વારસાના વિવાદ વિશે લખ્યું હતું કે એના બાળકો એની હયાતીમાં જ કોર્ટે ચડ્યા છે. આવું ઘણા કેસમાં થતું હોય છે કે તે વ્યક્તિની હાજરીમાં જ તેના વારસદારો ઝઘડતા હોય છે. મર્ડોકનો કિસ્સો તો સમજી શકાય કારણ કે તેણે ત્રણ-ચાર લગ્ન કરેલા અને જુદી જુદી પત્નીઓ થકી તેને અડધો ડઝન બાળકો છે. રતન ટાટાનો કેસ તો અલગ છે. તે આજીવન અપરિણીત રહ્યા. એકદમ સ્વચ્છ અને સ્વસ્થ જીવન પસાર કર્યું. કોઈ વિવાદ નહી કે કોઈ નેગેટિવ ઈમેજ નહી. હા, તેમના વડપણ હેઠળ ટાટા ગૃપે જબ્બર પ્રગતિ હાંસિલ કરી. દેશના વિકાસમાં તેમનું યોગદાન અદ્રિતીય રહ્યું. માટે તેમનો વ્યવસાયીક – ઔધોગિક વારસો કોણ સંભાળશે અને કોની કોની વચ્ચે વહેચાશે તેમાં આખા દેશને રસ છે.
રતન ટાટાના નિધન બાદ તેમની મિલકત અને વારસો કોણ સંભાળશે તે અંગે ઘણી ચર્ચા ચાલી. તેમના ભાઈ નોએલ ટાટા, ટાટા ટ્રસ્ટના ચેરમેન બન્યા છે. પણ વિલ એક્ઝીક્યુશનમાં પસંદ કરાયેલા લોકોના નામ હવે જાહેર કરવામાં આવ્યા છે.
ટાટાની વસિયતમાં કોના કોના નામોનો ઉલ્લેખ છે?
રતન ટાટાએ તેમના વારસાને સંભાળવા માટે તેમના નજીકના સહયોગીઓ અને પરિવારના સભ્યોને પસંદ કર્યા. મુખ્ય લોકો છે:
1. ડેરિયસ ખંભાતા: વરિષ્ઠ વકીલ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ. તેમણે ઘણી બાબતોમાં ટાટાને સલાહ આપી છે અને ટાટા જૂથમાં તેમને વિશ્વાસુ વ્યક્તિ ગણવામાં આવે છે.
2. મેહલી મિસ્ત્રી: ટાટાના નજીકના વિશ્વાસુ અને ટાટા ટ્રસ્ટ્સ ચલાવતી એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય. તે બ્રીચ કેન્ડી હોસ્પિટલના બોર્ડમાં પણ છે અને ઘણા પરોપકારી કાર્યો કરવામાં તે અગ્રણી હોય છે.
3. શિરીન અને દીના જેજીભોય: આ રતન ટાટાની માતાની તેમના બીજા લગ્ન થકીના સંતાનો છે એટલે કે રતન તાતાની સ્ટેપ બહેનો છે. તેઓ ચેરિટી કાર્યમાં સામેલ થવા માટે જાણીતા છે.
ટાટાની ઈચ્છાઓ પરોપકારી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે, કારણ કે તેઓ હંમેશા સમાજને પાછું આપવા માટે પ્રતિબદ્ધ રહ્યા છે. જો કે વિલની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, આ એક્ઝિક્યુટર્સ ખાતરી કરશે કે ટાટાની અંતિમ ઈચ્છાઓનો યોગ્ય અમલ કરવામાં આવે.