જયારે હાઇકોર્ટે કબુલ્યું : “અમે પણ માણસ છીએ, અમારાથી પણ ભૂલો થાય છે”,
-માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી એ આઇટી એક્ટ હેઠળ ગુનો નથી તેવું કહીને આપેલો આદેશ કર્ણાટક હાઇકોર્ટે પાછો ખેંચ્યો
માત્ર ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી એ આઇટી એક્ટ હેઠળ ગુનો નથી એવું કહીને આપેલો આદેશ તાજેતરમાં કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે પાછો ખેંચી લીધો હતો બેન્ચે કહ્યું કે અમે પણ માણસ છીએ અને અમારાથી પણ ભૂલો થાય છે. સુધારા માટે હંમેશા અવકાશ હોય છે. આ અંગે તપાસ કરીને નવો આદેશ આપવામાં આવશે.
બેંચે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી અરજીને પગલે IT એક્ટની કલમ 67B (A) હેઠળ આદેશ આપવામાં આવ્યો હતો. IT એક્ટની કલમ 67B જણાવે છે કે બાળકોને અશ્લીલ, અભદ્ર રીતે દર્શાવતી તસવીરો બનાવવી, સ્ટોર કરવી, શોધવી, બ્રાઉઝ કરવી, ડાઉનલોડ કરવી, જાહેરાત કરવી, ટ્રાન્સમિટ કરવી, અદલાબદલી કરવી એ સજાને પાત્ર છે.
આ પહેલા હાઈકોર્ટે કહ્યું હતું કે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ આઈટી એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નથી. હાઈકોર્ટના આ નિર્ણયથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીવાળી વેબસાઈટ 50 મિનિટ સુધી જોવાના આરોપીને રાહત મળી હતી. IT એક્ટની કલમ 67B (બાળકોને લગતી સામગ્રીનું પ્રકાશન અથવા પ્રસારણ) હેઠળ માર્ચ 2022માં અરજદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે આવા કિસ્સામાં કલમ 67B લાગુ કરી શકાય નહીં, કારણ કે તેમના ક્લાયન્ટે માત્ર વેબસાઇટની મુલાકાત લીધી હતી અને કંઈ પણ ટ્રાન્સમિટ કર્યું ન હતું.