હરિયાણા ભાજપમાં શું આંતરિક ડખ્ખો :કેટલા રાજીનામાં પડ્યા ? જુઓ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા 67 ઉમેદવારોની પહેલી લિસ્ટ બુધવારે જાહેર થયા બાદ પાર્ટીમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે અને ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. ફતેહાબાદના રતિયાથી ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ભાજપનો સાથ છોડી દેતાં રાજીનામું ધરી દીધું. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ એક મંત્રી રણજીતસિંહ અને અન્ય નેતાએ ગુરુવારે પાર્ટી છોડી દઈને રાજીનામાં આપી દીધા હતા.
એવી ચર્ચા છે કે આગામી ચૂંટણીમાં તેમનું પણ પાર્ટીએ પત્તું કાપી નાખતા અને ટિકિટ ન ફાળવતાં લક્ષ્મણ નાપા નારાજ હતા. ભાજપે આ વખતે રતિયા બેઠક પરથી સુનીતા દુગ્ગલને તેમની જગ્યાએ ટિકિટ ફાળવી દીધી છે. રાજ્યમાં અન્ય કેટલાક ધારાસભ્યો પણ નારાજ છે અને વધુ રાજીનામાં આવી શકે છે તેવો ભય છે.
અગાઉ ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું હતું અને તમામ ફરજોથી મુક્ત થતાં રાજીનામું આપ્યું હતું. તેમણે પણ ઉકલાના વિધાનસભા બેઠક પરથી પાર્ટી દ્વારા ખોટી ટિકિટ ફાળવણીના વિરોધમાં આ પગલું ભર્યું હતું.
ગુરુવારે રાજીનામાં આપનાર નેતાઓ પૈકીનાં કેટલાક કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા પણ શરૂ થઈ હતી. જો કે ટોચના નેતાઓ દ્વારા નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.