યુપીઆઈ વ્યવહાર પર ફી નાખવાના વિચાર અંગે દેશનો શું છે પ્રતિભાવ ? જુઓ
દેશમાં જો યુપીઆઈ સેવા પર કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી લાદવામાં આવશે તો 75 ટકા વપરાશકર્તાઓ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે. ‘લોકલસર્કલ’ દ્વારા રવિવારે જાહેર કરાયેલા સર્વેમાં આ તારણ કાઢવામાં આવ્યું છે. દેશમાં મોટાભાગના લોકો આવી કોઈપણ ફીની વિરુધ્ધ રહ્યા છે. ફક્ત 22 ટકા લોકો જ ફીના વિચારને ટેકો આપે છે.
સર્વે અનુસાર, 38 ટકા યુઝર્સ તેમના પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનો 50 ટકા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા અન્ય કોઈપણ પ્રકારના ડિજિટલ માધ્યમને બદલે યુપીઆઈ દ્વારા કરે છે. સર્વેમાં જણાવાયું છે કે માત્ર 22 ટકા યુપીઆઈ યુઝર્સ પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ફીનો બોજ ઉઠાવવા તૈયાર છે.
75 ટકા લોકોએ કહ્યું કે જો ટ્રાન્ઝેક્શન ફી લાદવામાં આવશે તો તેઓ યુપીઆઈનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે. આ સર્વે ત્રણ વ્યાપક ક્ષેત્રો પર કરવામાં આવ્યો છે. તેને 308 જિલ્લામાંથી 42,000 પ્રતિસાદ મળ્યા છે. જોકે, દરેક પ્રશ્નના જવાબોની સંખ્યા અલગ-અલગ હતી.
યુપીઆઈ પર ટ્રાન્ઝેક્શન ફી સંબંધિત પ્રશ્નને 15,598 જવાબો મળ્યા. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 2023-24માં ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં રેકોર્ડ 57 ટકા અને મૂલ્યમાં 44 ટકા વૃદ્ધિ નોંધાવી છે. પ્રથમ વખત, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એક નાણાકીય વર્ષમાં 100 અબજને વટાવી ગયા છે. 2023-24માં તે રૂ. 131 અબજ હતી, જ્યારે 2022-23માં રૂ. 84 અબજ હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે મૂલ્યના સંદર્ભમાં તે રૂ. 1,39,100 અબજથી વધીને રૂ. 1,99,890 અબજ થઈ ગયું છે. સર્વેક્ષણ મુજબ, 37 ટકા ઉત્તરદાતાઓએ યુપીઆઈ વ્યવહારો શેર કર્યા છે જે મૂલ્ય દ્વારા તેમની કુલ ચૂકવણીના 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.