કેન્દ્રીય ચૂંટણી પંચ ગુરુવારથી ત્રણ દિવસ મુંબઈની મુલાકાતે
ઓક્ટોબરનાં બીજા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત સમભાવ : તૈયારીઓનો ધમધમાટ
જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની વચ્ચે ચૂંટણી પંચે મહારાષ્ટ્રની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને આગામી તા. ૨૬થી ત્રણ દિવસ માટે ઉચ્ચ અધિકારીઓ મુંબઈની મુલાકાતે આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર,કેન્દ્રીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસ મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. ચૂંટણી પંચના અધિકારીઓ 26, 27 અને 28 સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાતે આવશે. ચૂંટણી અધિકારીઓની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 26 સપ્ટેમ્બરે દિલ્હીથી મુંબઈ માટે રવાના થશે. 27 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજાશે. બપોરે 1 વાગ્યે સીઈઓ, નોડલ અધિકારીઓ સાથે પણ બેઠક થશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 વાગ્યે અર્ધલશ્કરી દળો, આવકવેરા વિભાગ, ગુપ્તચર એજન્સી, **CBI, EDના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. સાંજે 5 વાગ્યે, મુખ્ય સચિવ અને ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ સહિત વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે કેન્દ્રીય ચૂંટણી અધિકારીઓની બેઠક થશે.
28 સપ્ટેમ્બરે સવારે 9:30 કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ રાજ્યના તમામ કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે બેઠક કરશે. સાંજે 4 વાગ્યે અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી અધિકારીઓ દિલ્હી પરત ફરશે.
ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એક અહેવાલ મુજબ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના પરિણામો બાદ મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર કરવામાં આવી શકે છે.
રાજ્યમાં ઓક્ટોબરના બીજા સપ્તાહમાં આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે.