કોંગ્રેસ પાર્ટી હવે બેઠી થવા માટે શું કરવા જઈ રહી છે ? જુઓ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ તેની જિલ્લા કોંગ્રેસ સમિતિઓને સંગઠનનું “કેન્દ્ર બિંદુ” બનાવવા તરફ પગલાં લીધાં છે. આ અંતર્ગત એઆઇસીસી દેશભરના લગભગ 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરી રહી છે. દેશમાં અનેક ચુંટણીમાં હાર બાદ હવે કોંગ્રેસ બેઠી થવા પ્રયાસ કરશે.
આ બેઠક ૨૭-૨૮ માર્ચ અને ૩ એપ્રિલના રોજ નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે, જે પાયાના સ્તરે પાર્ટી મશીનરીને મજબૂત બનાવશે.
આ બેઠક ૧૬ વર્ષ પછી યોજાઈ રહી છે, જેને કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે, જ્યાં 2027 માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. બેઠકમાં ઉમેદવારોની પસંદગી અને સંગઠનને મજબૂત બનાવવામાં ડીસીસી પ્રમુખોને મહત્વપૂર્ણ ભૂમિકા આપવા પર ભાર મૂકવામાં આવશે.
આ નિર્ણય એઆઇસીસીના મહાસચિવો અને પ્રભારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જેમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કેટલાક નેતાઓના અનૌપચારિક જૂથ દ્વારા તૈયાર કરાયેલ સંગઠનાત્મક મજબૂતીકરણની રૂપરેખા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.