રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓ ખાલી 43…!! જેની સામે ખાનગી શાળાઓ 10 ગણી વધુ : ખાડે જતું શિક્ષણ
સરકારી શિક્ષણને પ્રાધાન્ય આપવાને બદલે તગડી ફી લેતી 432 ખાનગી સ્કૂલો રાજકોટમાં:આગામી દિવસોમાં કોંગ્રેસનો શિક્ષણ મુદ્દે ઘેરાવ:સરકારી શાળાઓના શિક્ષણ ગુણવતા અને સંખ્યા વધારવા મુદ્દે ધારાસભ્ય મેવાણીને શિક્ષણમંત્રીએ ગોળગોળ જવાબ આપ્યોનો આક્ષેપ
શિક્ષણમાં સરકારનાં બણગાં ફૂંકતા હોવાનો ફુગ્ગો ફૂટી ગયો હોય એમ રાજકોટ જિલ્લામાં સરકારી શાળાઓ ખાલી 43 છે જેની સામે ખાનગી શાળાઓ 10 ગણી વધુ હોવાની વાત ખુદ વિધાનસભામાં સરકારે ખુલાસો કર્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં રાજકોટ જિલ્લામાં સરકારી શિક્ષણ કેટલું ખાડે ગયું છે એનો ખુલાસો થયો છે. રાજકોટ જિલ્લામાં 432 ખાનગી માધ્યમિક શાળાઓની સામે સરકારી શાળાઓ ફકત 43 છે. અર્થાત્ કે, સરકારી શાળાઓ કરતા 10 ગણી ખાનગી શાળાઓ છે. ચુંટાયેલી સરકારની જવાબદારી રાજ્યના વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તા વાળું શિક્ષણ આપવાની જવાબદારી છે. પરંતુ, સરકારી શાળાઓ ફકત 43 હોય અને એની સામે ખાનગી શાળાઓનો રાફડો ફાટયો હોય અને સરકારી શાળાઓ કરતા 10 ગણી વધુ 432 શાળાઓ ખુલી જાય એ શિક્ષણ ક્ષેત્ર માટે તંદુરસ્ત બાબત નથી પણ શરમજનક બાબત કહી શકાય
આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં એવો સવાલ પૂછ્યો હતો કે, શું રાજ્ય સરકાર ખાનગી શાળાઓને મંજૂરી આપવાનું બંધ કરી, જરૂરિયાત પ્રમાણે સરકારી શાળાઓ ઊભી કરવા માંગે છે, પરંતુ સરકાર તરફથી, મંત્રી તરફથી કોઈ નક્કર જવાબ આપવામાં આવેલ નથી તેવો મેવાણીએ તેઓની યાદીમાં જણાવ્યુ હતુ.
વિશેષમાં જણાવેલ કે, મારી પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મેં સરકારને રજૂઆત કરી હતી કે MP, MLA અને IAS, IPS પણ પોતાના સંતાનોને સરકારી શાળાઓમાં ભણાવતા થાય એવું ક્વોલિટી ધરાવતુ શિક્ષણ આપવા માંગો છો કે કેમ? ફરી સરકાર સમક્ષ હું માંગણી કરું છું કે સરકારી શિક્ષણને એવી પ્રાથમિકતા આપવામાં આવે કે કરોડપતિના દીકરા દીકરીઓ પણ સરકારી શાળાઓમાં ભણવા જાય એવું ગુણવત્તા સભર શિક્ષણ હોવું જોઈએ.
અંતમા ચોકાવનારા આંકડાથી સ્તબ્ધ થયેલ ધારાસભ્યએ કહ્યુ હતુ કે, ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવા માટે જાણીજોઈને સરકારી શાળાઓને ખતમ કરવા ઈચ્છતી હોય તેવુ લાગી રહ્યુ છે.મધ્યમ અને ગરીબ પરિવારના બાળકોને સરકારી શાળાઓની ઘટતી સંખ્યા,શિક્ષકોની ઘટ અને શિક્ષણની ખરાબ ગુણવતાના કારણે મજબૂરીમા ખાનગી શાળાઓમા પ્રવેશ લેવો પડે છે.ખાનગી શાળોની ફી નિર્ધારીત કરતી ફી રેગ્યુલેશન કમિટી પણ ભ્રષ્ટાચારથી ખદબદે છે .આવનારા સમયમાં આ મુદે અમે સરકારને આ બાબતે ઘેરાવ, જિલ્લે જિલ્લે રચનાત્મક વિરોધો કાર્યક્રમો કરવાના છે અને સરકારી શાળાઓની સંખ્યા વધે,શિક્ષકોની ભરતી પૂર્ણ થાય તેમજ ખાનગી શાળાઓની ફી વધારો ડામવાના મુદે અમારા મુખ્ય મુદા હશે.