આપના નેતાઓએ શું લગાવ્યો ભાજપ પર આરોપ ? વાંચો
આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તન કેસ બાદ દિલ્હીમાં રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ દરમિયાન એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આપના નેતાઓએ એવો દાવો કર્યો હતો કે કેજરીવાલને મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે અને એમના જાન પર જોખમ ઊભું થઈ ગયું છે.
જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે ભાજપ અને નરેન્દ્ર મોદી સીધા જ જવાબદાર હશે. આ અંગે આમ આદમી પાર્ટીના મંત્રી આતિશી અને સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંને નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા.
દિલ્હી મેટ્રોમાં અરવિંદ કેજરીવાલ સામે જાનથી મારી નાખવાની ધમકી લખવામાં આવી છે. મેટ્રો સ્ટેશન સહિત મેટ્રોની અંદર ઘણી જગ્યાએ કેજરીવાલને મારી નાખવાની ધમકીઓ લખવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગંભીર આરોપ લગાવ્યા છે.
આમ આદમી પાર્ટી એક્સ હેન્ડલ પરથી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પીએમઓ, ભાજપ અને નરેન્દ્ર મોદીના કહેવા પર રાજીવ ચોક, પટેલ નગર મેટ્રો સ્ટેશન પર ધમકી લખવામાં આવી છે.
આતિશીનું કહેવું છે કે કેજરીવાલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આતિશીએ મીડિયાને કેટલીક ફોટોકોપી પણ બતાવી.
