વડાપ્રધાન મોદીના જેમ્સ બોન્ડે ચીનના મંત્રીને કઈ વાત ગળે ઉતારી ? વાંચો
બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા ગયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મોટી સફળતા મળી છે. આ દરમિયાન તેમણે ચીનના વિદેશ મંત્રી સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં બંને દેશો એ વાત પર સહમત થયા હતા કે પૂર્વી લદ્દાખના બાકીના સંઘર્ષવાળા વિસ્તારોમાંથી સૈનિકોને સંપૂર્ણ રીતે હટાવવાનું કામ તાત્કાલિક કરવું જોઈએ. આમ મોદીના જેમ્સ બોન્ડ ડોભાલને સફળતા મળી છે.
એનએસએ ડોભાલે સેન્ટ પીટર્સબર્ગમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાત કરી હતી. આ દરમિયાન, એલએસી પર લાંબા સમયથી ચાલી રહેલા સ્ટેન્ડઓફના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડોભાલે વાંગને કહ્યું કે દ્વિપક્ષીય સંબંધોમાં સામાન્યતા બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને એલએસીનું સન્માન જરૂરી છે. ડોભાલ અને વાંગ વચ્ચેની બેઠક રશિયન શહેર સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની પરિષદ વખતે થઈ હતી. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકે વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાકી રહેલા મુદ્દાઓનું વહેલું નિરાકરણ શોધવા તરફના તાજેતરના પ્રયાસોની સમીક્ષા કરવાની બંને પક્ષોને તક પૂરી પાડી હતી. બંને પક્ષો તાત્કાલિક કાર્યવાહી કરવા અને બાકીના સંઘર્ષ વિસ્તારોમાંથી સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેંચવા માટેના પ્રયાસો વધારવા સંમત થયા છે.
ભારત-ચીન સંબંધો વિશ્વ માટે મહત્વપૂર્ણ છે
વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ ભૂતકાળમાં બંને સરકારો દ્વારા કરવામાં આવેલા સંબંધિત દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. મંત્રાલયે કહ્યું કે બંને પક્ષો એ વાત પર સહમત થયા કે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ ક્ષેત્ર અને વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ છે. “બંને પક્ષોએ વૈશ્વિક અને પ્રાદેશિક પરિસ્થિતિ પર પણ મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું,” તે જણાવે છે.