અરવિંદ કેજરીવાલે જનતા કી અદાલતમાં શું કહ્યું ? જુઓ
દિલ્હીના જંતર-મંતર પર આમ આદમી પાર્ટીએ રવિવારે ‘જનતા કી અદાલત’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે , ‘4 એપ્રિલ, 2011 નો દિવસ હતો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલન શરૂ થયું હતું. અમે પ્રામાણિકતાથી સરકાર ચલાવી રહ્યા હતાં. જનતાને સુવિધાઓ આપી, વીજળી ફ્રી કરી દીધી, પાણી ફ્રી કર્યું, મહિલાઓ માટે બસ મુસાફરી ફ્રી કરી, વડીલોને ફ્રીમાં તીર્થયાત્રા કરાવી, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક અને શાનદાર સ્કૂલ બનાવી. 10 વર્ષ સુધી પ્રામાણિકતાથી કામ કર્યું, તો નરેન્દ્ર મોદીને લાગવા લાગ્યું કે, આનાથી જીતવું છે તો તેની પ્રામાણિકતા પર વાર કરો. તેથી તેઓએ મારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યાં. અમારા મંત્રીઓ અને નેતાઓને વીણી-વીણીને જેલમાં નાંખ્યા.’ હું કલંક સાથે જીવી શકું નહિ. મારી ઈમાનદારીને ઘાયલ કરવા કાવતરું રચાયું છે.
મારી ચામડી જાડી નથી
કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘આ નેતાઓ (ભાજપ) ને કેસ અને મુકદ્દમાઓથી ફરક નથી પડતો, તેમની ચામડી જાડી થઈ ગઈ છે. જોકે, હું આવો નથી. હું નેતા નથી, મારી ચામડી જાડી નથી. મને ખોટાં આરોપોથી ફરક પડે છે. મને ચોર અને ભ્રષ્ટાચારી કહેવામાં આવે તો મને ફરક પડે છે. હું ખૂબ જ દુઃખી છું, તેથી રાજીનામું આપી દીધું.
બેંકમાં નાણા નથી
મેં મારા જીવનમાં ફક્ત સન્માન અને પ્રામાણિકતા કમાઈ છે. મારી બેન્કમાં કોઈ પૈસા નથી. 10 વર્ષ બાદ મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. થોડીવારમાં આવાસ પણ છોડી દઈશ. આજે દિલ્હીમાં રહેવા માટે મારી પાસે ઘર પણ નથી.’
કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંબંધો પર પણ તીખી ટિપ્પણી કરીને કહ્યું, ‘આરએસએસ ભાજપની માતા બરાબર છે, પરંતુ આજે ભાજપ પોતાની માને આંખો બતાવે છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે નડાએ એમ કહ્યું હતું કે ભાજપને સંઘ પરિવારની જરૂર નથી. આ વિધાન અંગે કેજરીએ આ વાત કરી હતી.
કેજરીવાલે સંઘ પ્રમુખને પૂછ્યા આ 5 સવાલ-
1- મોદીજી જે રીતે ઇડી અને સીબીઆઈનો ડર બતાવીને સરકારોને પછાડી રહ્યા છે તેની સાથે આરએસએસ સહમત છે?
2- મોદીજીએ ભાજપમાં સૌથી ભ્રષ્ટ નેતાઓનો સમાવેશ કર્યો. શું આરએસએસ મોદીજી સાથે સહમત છે?
3- જેપી નડ્ડાના નિવેદનથી આરએસએસ દુ:ખી થયું કે નહીં?
4- મોદીજી પર 75 વર્ષનો નિયમ લાગુ પડશે કે નહીં?
5- ભાજપનો જન્મ આરએસએસના ગર્ભમાંથી થયો છે. કહેવાય છે કે ભાજપ ભટકી ન જાય તે જોવાની જવાબદારી આરએસએસની છે. શું તમે ભાજપના આજના પગલાં સાથે સહમત છો કે તમે ક્યારેય મોદીજીને આ બધું ન કરવા કહ્યું છે?