રશિયાએ યુધ્ધ બંધ કરવા માટે કઈ શરતો રાખી ? જુઓ
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ સમાપ્ત થવાના હવે અણસાર મળવા લાગ્યા છે. હવે રશિયા આ યુધ્ધ રોકી દેવા માટે વાતચીત કરવા માંગે છે. રશિયાએ આ વાત ભારત ચીન અને બ્રાઝિલને કરી છે. જો કે વાતચીત માટે કેટલીક શરતો રાખી છે. શરતો માની લેવામાં આવે તો રશિયા યુધ્ધ બંધ કરવા તૈયાર છે.
રશિયાની માંગ એવી છે કે નાટોમાં યુક્રેનને પ્રવેશ આપવામાં ના આવે. સાથે યુક્રેન પોતાના કેટલાક ક્ષેત્રોને રશિયાના ક્ષેત્ર માની લ્યે. આ પ્રકારની શરતો રશિયાએ પોતાના મિત્ર દેશોને કહી દીધી છે. મધ્યસ્થી તરીકે ભારત, ચીન અને બ્રાઝિલ પર જ પુતિનને ભરોસો છે.
પુતિને સાફ શબ્દોમાં એમ કહ્યું છે કે જો યુક્રેન આ શરતો માની લેતું હોય તો અમે યુધ્ધ રોકવા માટે વાતચીત કરવા તૈયાર છીએ. એટલું જ નહીં જો શરત માનવામાં આવે તો અમે યુધ્ધ જ રોકી દેશું. પુતિને એવી ગેરંટી પણ આપી છે કે શરતો માની લેવામાં આવે તો તે યુક્રેનના સૈનિકોને સુરક્ષિત રીતે પાછા મોકલી દેશે.
પુતિને ગયા સપ્તાહે હિલચાલ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે પુતિને પાછલા સપ્તાહે જ એમ કહ્યું હતું કે અમે ભારત, ચીન અને બ્રાઝીલના સંપર્કમાં છીએ. આ દેશો જ ઈમાનદારી સાથે યુધ્ધ રોકાવવા પ્રયાસ કરે છે. રશિયા હવે ખરેખર થાકી ગયું હોય તેવી અનુભૂતિ પાછલા સપ્તાહે જ દુનિયાને થઈ ગઈ હતી.
ભારત ઓફર અંગે હજુ મૌન
દરમિયાનમાં રશિયાના પ્રમુખે યુધ્ધ બંધ કરવા માટે જે શરતો રાખી છે તે અંગે ભારતે હજુ સત્તાવાર રીતે કઈ કહ્યું નથી અને પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી. એ જ રીતે ચીન અને બ્રાઝિલે પણ કોઈ નિવેદન આ બારામાં આપ્યું નથી.