પશ્ચિમ બંગાળ : વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાએ પીતો ગુમાવ્યો, મહિલાનું ગળું ઘોંટી દેવાની આપી ધમકી
લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો મૂળભૂત અધિકાર છે પણ પશ્ચિમ બંગાળ ભાજપના પૂર્વ પ્રમુખ તેમની સામે થયેલા દેખાવથી ક્રોધે ભરાઈ ગયા હતા અને દેખાવકાર મહિલાનું ગળું ઘોંટી દેવાની ધમકી આપી હતી.મામલો 2.50 લાખના ખર્ચે ખડગપુરના એક વોર્ડમાં બનેલા નાનકડા રસ્તાના લોકાર્પણનો હતો. પશ્ચિમ બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ દિલીપ ઘોષ તેનું લોકાર્પણ કરવા ગયા ત્યારે એ વિસ્તારની મહિલાઓએ તેમનો વિરોધ કર્યો હતો.

તેઓ સાંસદ હતા ત્યારે એક પણ વખત દેખાયા ન હોવાનો એક મહિલાએ આક્ષેપ કર્યો હતો. એ મહિલાએ પૂછ્યું કે સાંસદ હતા ત્યારે તો એક પણ વખત ડોકાયા નહોતા અને હવે અમારા કાઉન્સિલરે બનાવેલા રસ્તાનો શ્રેય લેવા માટે આવી પહોંચ્યા છો?
આ સવાલ સાંભળીને દિલીપ ઘોષ અકળાયા હતા.
તેમણે મહિલાને કહ્યું કે,”આ રસ્તો મેં મારા ખર્ચે બનાવ્યો છે તમારા પિતાજીના ખર્ચે નહીં”. મહિલા જ્યારે સવાલ કર્યો કે આ વાતમાં મારા પિતાજીને શું કામ વચ્ચે લાવો છો ત્યારે દિલીપ ઘોષે કહ્યું કે હું તમારી 14 પેઢીને વચ્ચે લાવીશ. એ દરમિયાન દલીલો વધુ ઉગ્ર બની હતી અને દિલીપ ઘોષે એ મહિલાનું ગળું ઘોંટી નાખવાની ધમકી આપી, દેખાવકારોને તૃણમૂલના કૂતરાં ગણાવતાં મામલો વણસ્યો હતો.
મહિલાઓએ ઘોષની કારને ઘેરી લેતાં વાતાવરણ તંગ બન્યું હતું.બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાદમાં દિલીપ ઘોષે ત્યાંથી ચાલતી પકડી હતી. આ બનાવના ઘેરા પડઘા પડ્યા હતા. તૃણમૂલના પ્રવક્તાએ દિલીપ ઘોષ જાહેર માફી માંગે તેવી માગણી કરી હતી અને નહિતર તેઓ જ્યાં જાય ત્યાં તેમને ઘેરાવ કરવાની ચીમકી આપી હતી