જજના બંગલામાં આગની ઘટનામાં નવો ભેદી વણાંક : રોકડ મળવા મામલે ફાયર ચીફે કઇંક આવુ નિવેદન આપતા મામલો ગૂંચવાયો
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સતાવાર નિવાસસ્થાને લાગેલી આગ કાબૂમાં લેતી વેળાએ રોકડ રકમ મળી હતી કે નહીં તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે.શુક્રવારે પીટીઆઈએ, દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે કોઈ રોકડ ન મળી હોવાની જણાવ્યું હોવાનો રિપોર્ટ આપ્યો હતો.જો કે શનિવારે અતુલ ગર્ગે પોતે એવો કોઈ જવાબ ન આપ્યો હોવાની ચોખવટ કરતાં મામલો વધુ ગૂંચવાયો છે.દરમિયાનમાં વિવાદના કેન્દ્રસ્થાને રહેલા જસ્ટિસ યશવંત શર્મા રજા ઉપર ઉતરી ગયા હોવાનું ‘ બાર એન્ડ બેન્ચ ‘ ના અહેવાલમાં જણાવાયું છે.
ન્યાયાધીશના ઘરે લાગેલી આગ અને કથિત રીતે મોટો દલ્લો મળ્યો હોવાની ઘટનામાં સતાવાર અને પારદર્શક માહિતીના અભાવને કારણે જબરું રહસ્ય સર્જાયું છે. જોવાની ખૂબી એ છે કે આગની ઘટના 16મી તારીખે રાત્રે 11 વાગ્યા આસપાસ બની હતી.કેટલાક અહેવાલો અનુસાર બંગલાના સ્ટોર રૂમમાં નાનકડી આગ લાગી હતી અને ફાયર બ્રિગેડે થોડીવારમાં જ તેના પર કાબુ લઈ લીધો હતો.
16 મી તારીખે બનેલી એ ઘટનાના સમાચાર પાંચ દિવસ પછી અચાનક મીડિયામાં હેડલાઇન બનવા લાગ્યા હતા અને બંગલામાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળ્યું હોવાના અહેવાલોએ ભારે સનસનાટી ફેલાવી દીધી હતી.સાથે જ સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જજની અલ્હાબાદ બદલી કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હોવાનું પણ વિવિધ પ્રસાર માધ્યમોએ જાહેર કર્યું હતું. અલ્હાબાદ બાર એસોસિએશને તો જપ્ત થયેલ રકમ 14 કરોડની હોવાનું જણાવી એ જજની અલ્હાબાદ બદલી કરવા સામે વિરોધ નોંધાવી ” શું અલ્હાબાદ હાઇકોર્ટ કચરાપેટી છે”? તેવો સવાલ કર્યો હતો.
દરમ્યાન પીટીઆઈએ મોડી સાંજે દિલ્હી ફાયર સર્વિસ ચીફ અતુલ ગર્ગના નામે એક અહેવાલ આપ્યો જેમાં ગર્ગે કહ્યું હતું કે ” આગને બુઝાવ્યા પછી તરત જ, અમે પોલીસને આગની ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ, અગ્નિશામક દળના કર્મચારીઓની એક ટીમ ત્યાંથી નીકળી ગઈ. અમારા અગ્નિશામકોને તેમની આગ બુઝાવવાની કામગીરી દરમિયાન કોઈ રોકડ નથી મળી.”
તેમના આ નિવેદનને કારણે રોકડ રકમ મળ્યાના દાવાનો છેદ ઉડી જતો હતો પણ ત્યાં શનિવારે અતુલ ગર્ગે તેમણે રોકડ રકમ ન મળી હોવાનું કોઈ નિવેદન ન કર્યું હોવાનો ખુલાસો કરતાં આ બનાવમાં ફરી એક વખત નવો વણાંક આવ્યો છે.
બોક્સ
સર્વોચ અદાલતે ખુલાસો કર્યો
છતાં અનેક પ્રશ્નો અનુતર
સર્વોચ્ચ અદાલતે જજના ઘરની આગ અંગે ગેરમહિતિ અને અફવાઓ ફેલાઈ હોવાનું જણાવી, જસ્ટિસ યશવંત વર્માની અલ્હાબાદ બદલી કરવાની દરખાસ્તને કથિત રીતે રોકડ રકમ મળ્યાની ઘટના સાથે કંઈ સબંધ ન હોવાનો ખુલાસો કર્યો હતો.નોંધનીય છે કે જસ્ટિસ વર્મા દિલ્હી હાઈકોર્ટમાં બીજા નંબરના સિનિયર જજ છે જ્યારે તેમની અલ્હાબાદ બદલી થાય તો ત્યાં તેઓ હાઇકોર્ટના 9 મા નંબરના સિનિયર ન્યાયાધીશ બનશે.
વળી બદલીની દરખાસ્ત આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કરવામાં આવી કે એ અગાઉ કરી દેવાઈ હતી તે અંગે ચિત્ર અસ્પષ્ટ છે.બીજી તરફ એક અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ની બેઠક બાદ સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયાધીશોની ફુલ કોર્ટ બેઠકમાં ન્યાયતંત્રની વિશ્વસનીયતા કાયમ રાખવા માટે માત્ર બદલી જ નહી પણ તેનાથી આગળના પગલા લેવા જરૂરી હોવાનો સૂર વ્યક્ત થયો હતો.બનાવ અંગે જસ્ટિસ વર્માએ પોતે પણ હજુ સુધી કોઈ જાહેર નિવેદન નથી આપ્યું.