રાજકોટના પાનવાળાની દીકરીએ કરી કમાલ, એરહોસ્ટેસ બની ઇન્ટરનેશનલ ફલાઇટમાં ભરે છે ઉડાન
યું બેઠકર જમીન પર કયું આસમાન દિખના…પંખ કો ખોલ,જમાના સિર્ફ ઉડાન દેખતા હૈ..એક પાનવાળા પિતાની દીકરીએ જમીન પર પગ રાખી આસમાનની ઉંચાઈએ પહોંચી “રાજકોટ”ને સફળતાનાં આભમાં ઉડાન ભરાવી છે.હિરલ સંજય કક્કડએ પોતાની માતૃભૂમિથી કેરિયર માટેનો શરૂ કરેલો સંઘર્ષ જે તેને સફળતાનાં આભ સુધી લઈ ગયો ને આજે એરઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફલાઇટમાં “ફલાય” કરી રાજકોટ જ નહીં પણ આખા ગુજરાતનું હિર બની છે.
એરઇન્ડિયાની એરહોસ્ટેસ હિરલ કક્કડ તાજેતરમાં રાજકોટમાં મમ્મી-પપ્પાને મળવા આવેલી ત્યારે “વોઇસ ઓફ ડે”ને ખાસ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું.સામાન્ય પરિવારની પુત્રીએ અસાધારણ સિદ્ધિ મેળવી છે,ધરતી પરથી આસમાન સુધી કઈ રીતે પહોંચી તેના વિશે ચર્ચા સાથે આ ફિલ્ડમાં કઈ રીતે પહોંચી શકાય તેના પર યુવાનોને ગાઈડ પણ કર્યા હતા.

ધો.12 સુધી ગુજરાતી મીડીયમમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ ભણવામાં પહેલેથી જ હોશિયાર અને મહેનતું,જેના કારણે વગર કોચિંગે 96 % લાવનાર હિરલનું સ્વપ્ન બધાંથી અલગથી અને ગ્લેમરસ ફિલ્ડમાં જવાનું હોવાથી ફેશન ડિઝાઈનર બનવા માટે આઈ.એફ.જે.ડી.માં એડમિશન લઈને સાથે સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી, હિરલ ફેશનડિઝાઇનર તો બની ગઈ પણ પોતાનું બુટિક શરૂ કરવા મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે તેમ ન હોવાથી વિચાર્યું કે બીજા ફિલ્ડમાં જઈ જોબ કરી પપ્પાનાં સંઘર્ષમાં સહભાગી બની શકે.બીજા સંતાનમાં પુત્રી જન્મીનાં મેણા ટોણા સાંભળ્યા બાદ પણ મમ્મી પપ્પાએ લાડકવાયી પર વિશ્વાસ મૂકીને તેને ઉડવા મુક્ત આકાશ આપ્યું હતું.
બસ,હવે હિરલને તો પરિવારનાં પ્રેમની પાંખો મળી ગઈ હતી,હવે તેને ઉડતાં શીખવાનું હતું ને રાજકોટની એરોસ્ટાર એકેડમીમાં એવિએશન ફિલ્ડ માટે તેને ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનિંગ લીધી અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પ્રથમ રાઉન્ડમાં સ્પાઇસ જેટમાં સિલેકટ થઈ અને મુંબઈ એરપોર્ટ પહોંચી ગઈ,દરેક ફિલ્ડમાં હરીફાઈ ચાલતી હોય છે ત્યારે જુનિયરને પછાડવાની,આગળ ન વધવા
દેવા…વગેરે..વગેરે.આવી રણનીતિ ચાલતી હોય છે ત્યારે હું ખૂબ જ લક્કી છું કે મને મારા સિનિયરોએ મારી કેરિયરને આગળ વધારવા મને ડગલાં માંડતા શીખવ્યું,મારું કામ અને ધગશ જોઈને મારા અધિકારીઓએ મને ફલાઇટનાં “ક્રુ” મેમ્બર માટે ઇન્ટરવ્યૂ આપવા માટેની દિશા બતાવી હતી, હિરલ કહે છે કે,ગુજરાતી મીડીયમમાં ભણી હતી, યુ ટ્યુબ,નોવેલ,મુવી જોઈને મેં અંગ્રેજી શીખ્યું હતું,મારી કોમ્યુનિકેશન સ્કિલ બહુ સારી એટલે ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું હતું.

બે વર્ષ પહેલાંના દિવસોને યાદ કરતી હિરલ કહે છે કે, 12 વખત મેં ઇન્ટરવ્યુ આપ્યાં છે,9 વખત તો હું કિનારે પહોંચીને રહી જતી.ઇન્ટરવ્યૂ માટે મારી સાથે મમ્મીએ ખૂબ જ ભાગદોડ કરી છે છેલ્લી ઘડીએ કોલ લેટર આવતા અને વગર રિઝર્વેશન જનરલ કોચ અને ઘણી વખત બસમાં જગ્યા ન હોય તો પણ ડ્રાઇવરની બાજુની જગ્યા પર બેસીને મુંબઈ સુધી પહોંચી જતા.એરઈન્ડિયામાં બે વખત ઇન્ટરવ્યૂ આપ્યાં હતાં,પ્રથમ વખત તો છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી પણ સિલેક્શન ન થયું પણ મારાં મમ્મી અને પપ્પાએ મારાં મનોબળને તૂટવા ન દીધું.
ફરીથી ઉભી થઇ અને એર ઇન્ડિયામાં જ ઇન્ટરવ્યૂ આપ્યો અને ત્યાં જ્યાં મારું સિલેક્શન થયાંના સમાચાર મળ્યાં ત્યારે જાણે કે મેં દુનિયા કેમ મુઠ્ઠીમાં કરી લીધી હોય તેવી લાગણી થઈ,ચાલો મહેનત ફળી અને હવે હું આખું ભારતભ્રમણ મારી જોબથી કરીશ…!! મને તો એમ જ હતું કે ડોમેસ્ટિક એરલાઇન માટે એરહોસ્ટેસ બનીશ, જ્યારે ટ્રેનિંગ પૂરી કરી ત્યારે મને ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં પ્રથમ ડ્યુટી મળી ત્યારે ખબર પડી કે મારું સિલેક્શન ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે થયું છે. આવું તો મેં સ્વપ્નમાં પણ વિચાર્યું જ ન હતું,વર્ષો સુધી આવી તક કોઈને મળતી હોતી નથી.મારું કામ કરવાની ધગશ સાથે કમ્યુનિકેશન સ્કિલ મારા મેનેજમેન્ટને ગમી હતી જેના લીધે મને આ ઉડાન મળી.
એરહોસ્ટેસના કામને ઘણાં લોકો નબળું માને છે કે,બ્યુટી કે સારું ફિગર હોય તો જ આ કામ મળે છે,મને આ જોબ મળી ત્યારે અમુક કહેવાતા સગાંઓ જ મારા પેરેન્ટ્સને વણમાગી સલાહ આપવા આવ્યા હતા કે,દીકરીની જાત છે આવી નોકરી ન કરવાય…જ્યારે આ વાત માટે હિરલ સ્પષ્ટ કહે છે કે,હું કોઈની માનસિકતા ને બદલી શકું નહીં પણ જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગતા હોય છે તેમને હું સૂચન કરીશ કે, આવા લોકોની વાત ને સાંભળીને તમારા સપનાઓને અટકાવો નહીં.. પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહે છે કે બે વર્ષથી હું આ ફિલ્ડમાં છું, આપણું પોતાનું સ્વમાન અને સન્માન કઈ રીતે જાળવવું એ આપણાં હાથમાં છે.
સીધી ફર્સ્ટ ઉડાન કેનેડા કરી
ટ્રેનિંગ પૂરી કર્યા બાદ હિરલને ડાયરેક્ટ કેનેડામાં ડ્યુટી મળી, દિલ્હીથી વેનકુંવરની ફર્સ્ટ ફલાઈટમાં ઉડાન ભરી હતી.હિરલને એમ હતું કે ગોવા,કોલકત્તા કે દિલ્હી,મુંબઇની ફલાઇટ મળશે અને આ રીતે હું આખો દેશ ફરી લઈશ.ડ્યૂટીના ત્રણ મહિનામાં યુ.એસ.ના વિઝા મળી જતાં સન્ફ્રાન્સિકો ફલાઇટમાં ડ્યુટી આવી.આ પછી કેનેડા અને યુ.એસ.ની ફલાઇટ ફલાય કરે છે.અત્યાર સુધી બોઇંગ 777 માં ડ્યુટી કરી હવે એરબસ 321માં ફલાય કરશે,જેની ટ્રેનિંગ ચાલી રહી છે.

એ ક્ષણ આવશે ત્યારે મારાં અને મમ્મી-પપ્પાની આંખમાં આંસુ હશે…
આ શબ્દ છે હિરલના..એ કઈ ક્ષણ હશે…? જેનાં વિશે તે ખૂબ ભાવુક થઈ ગઈ અને કહે છે કે, આ બે વર્ષની ડ્યુટી દરમિયાન હજારો પેસેન્જર્સ સાથે મળી,તેમાં અનેક લોકો સાથે પોતીકાપણુ લાગ્યું,આજેય મને તેમનાં પારિવારિક પ્રસંગમાં આમંત્રણ આપે છે,સેલેબ્સ જેમ કે,સોનુ નિગમ,ગુરુ રંધાવા,સુરેશ રૈના,એ.પી.પીલોન,અશ્વિન ગ્રોવર સહિત અનેક લોકો સાથે મળવાનું થયું,બધાને મળીને ખૂબ ખુશી પણ થઈ પણ હજુ એ ઘડી નથી જે મારું એક સ્વપ્ન છે,હું ફલાઇટમાં એરહોસ્ટેસની ડ્યુટી પર હોઉં અને મારાં મમ્મી-પપ્પા,દીદી-જીજુ અને મારી ભાણેજ એ જ ફલાઈટમાં મુસાફરી કરતાં હોય…!! જ્યારે મારો આખો પરિવાર મારી સામે હશે ત્યારે અમારા બધાની આંખમાંથી આંસુ સરતાં હશે પણ એ હશે પ્રેમ અને ખુશીનાં…. અને બસ મારે એક મારાં પેરેન્ટ્સ માટે હોલિડે હાઉસ ખરીદવું છે એ મારી ઈચ્છા છે.
ઉંચાઈ પર હશો ત્યારે બધા હાથ જોડશે
હિરલની સફળતા જોઈને તેના મમ્મી અલ્પાબેન ગર્વ અનુભવે છે અને એ કડવી વાતને પણ યાદ કરે છે જ્યારે મોટી પુત્રી બાદ નાની પુત્રી હિરલનો જન્મ થયો તે સમયે અનેક લોકોએ અમને મેણા-ટોણા મારતાં બે પુત્રીઓ છે..કેમ સાચવશો..? એક દીકરો તો હોવો જોઈએ એવું કહી વારંવાર ઉપેક્ષાઓ થતી પણ મારા હસબન્ડ મને હંમેશા કહેતાં કે આપણી દીકરી આપણું ગૌરવ અને આપણી આન,બાન અને શાન છે,લોકો તો કહ્યા કરશે….!!હવે આ ઘડીએ દીકરીઓની સફળતા જોઈને એ જ લોકો કહે છે કે તમારી દીકરીઓ જેવી જ હોવી જોઈએ.. હિરલનો શરૂઆતમાં પગાર ઓછો હતો ત્યારે આઈ.ટી.સી.હોટલ જોઈ ને એને વિચાર્યું હતું કે હું ભવિષ્યમાં મારાં મમ્મીને લઈ અહીં ચા પીવા આવીશ,ચા તો ઠીક થોડા સમય પહેલાં મને ત્યાં ડિનર કરાવ્યું..!! બસ તે પોતાના સપનાને પુરા કરતી રહે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ..