ટ્રમ્પે હવે શૈક્ષણિક સંસ્થાઓ પર સાધ્યું નિશાન : પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સિટીનું 2.2 અબજ ડોલરનું ભંડોળ અટકાવી દીધું
વિશ્વની સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં જેની ગણના થાય છે એ અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી હવે ટ્રમ્પના નિશાન પર છે. યુનિ.કેમ્પસમાં ચળવળકારી સક્રિયતા મર્યાદિત કરવાના તેમ જ વિવિધતા, ન્યાય અને સમાવેશ (DEI) કાર્યક્રમ નાબૂદ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશના પાલનનો યુનિ. સત્તાવાળાઓએ ઇનકાર કરતા યુનિ.નું 2.3 અબજ ડોલરનું ભંડોળ તથા 60 મિલિયન ડોલરના ફેડરલ કોન્ટ્રાક્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા.
આ નિર્ણયના ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાર્વર્ડના પ્રેસિડેન્ટ એલન ગાર્બરે યુનિવર્સિટી સમુદાયને પત્ર લખી, શાળાની સ્વતંત્રતા અને વહીવટ પર સરકાર અતિક્રમણ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને ટ્રમ્પની માગણીઓને નકારી કાઢી હતી.
વહીવટી તંત્રની આ માંગણીઓ અમેરિકન બંધારણના પ્રથમ સુધારાનું અને જાતિ, રંગ અથવા રાષ્ટ્રીય મૂળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરતા ફેડરલ સરકારના નાગરિક અધિકાર કાનૂનનું ઉલ્લંઘન કરતા હોવાનું ગાર્બરે જણાવ્યું હતું.તેમણે ઉમેર્યું કે કોઈ પણ સરકાર ખાનગી યુનિવર્સિટીઓ શું શીખવે, કોને પ્રવેશ આપે અને નોકરીએ રાખે, અને કયા અભ્યાસ અને સંશોધનના ક્ષેત્રોને અનુસરે તે નક્કી કરી શકે નહીં.
ગાર્બરે સ્વીકાર્યું કે યુનિવર્સિટીએ એન્ટિસેમિટિઝમને દૂર કરવા માટે વ્યાપક સુધારાઓ હાથ ધર્યા છે પરંતુ તેમણે આગ્રહ રાખ્યો કે તે ફેરફારો હાર્વર્ડની શરતો પર થવા જોઈએ, સરકારી આદેશ દ્વારા નહીં. અત્રે એ નોંધવું જરૂરી છે કે હાર્વર્ડ એ એકમાત્ર ઉચ્ચ સંસ્થા નથી જે ફેડરલ દબાણનો સામનો કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, બ્રાઉન અને પ્રિન્સટનના ફંડિંગને પણ સમાન વિવાદોને કારણે થોભાવ્યું છે. તાજેતરમાં જ અબજો ડોલરના ફંડિંગ કાપની ધમકી મળ્યા બાદ કોલંબિયા યુનિવર્સિટીને તેની નીતિઓમાં સુધારો કરવાની ફરજ પડી હતી.
કયા ફેરફારનો આદેશ કર્યો હતો ?
સરકારી આદેશમાં નીતિગત ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. રંગ,વંશ અથવા રાષ્ટ્રીય મુળના આધારે વિદ્યાર્થીઓની તેમ જ પ્રોફેસરોની પસંદગી બંધ કરી અને ગુણવત્તાના આધાર પ્રવેશ આપવાનું કહેવામાં આવ્યું હતું. ડાઈવર્સિટી,ઈક્વિટી અને ઇન્ક્લુઝન કાર્યક્રમો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
એ કાર્યક્રમ વિભાજન અને ઘૃણાને પ્રોત્સાહન આપવાનો વહીવટી તંત્રનો દાવો હતો. યુનિવર્સિટીમાં માસ્ક ઉપર પ્રતિબંધ લાદવા ઉપરાંત યુનિવર્સિટીમાં યોજાતા કોઈપણ કાર્યક્રમ અને પ્રવૃતિ માટે યુનિવર્સિટીના નેતૃત્વ અને વિદ્યાર્થી સંગઠનોના નેતૃત્વને જવાબદાર ગણાવતી જોગવાઈઓ લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હાવર્ડ યુનિવર્સિટીની ફેકલ્ટી અને અલુમનાઇએ ટ્રમ્પ વહીવટી તંત્રની માંગોને શૈક્ષણિક સ્વતંત્રતા પર હુમલો ગણાવી તેનો વિરોધ કર્યો છે.