ટ્રમ્પ ઝૂક્યા: સ્માર્ટફોન, લેપટોપ,ચિપ્સ સહિતના ઉપકરણો બન્યા ટેરિફ મુક્ત
ટેરિફ મુક્ત વસ્તુઓની 80 ટકા આયાત ચીનમાંથી
20 ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ ચીજ વસ્તુઓ પરથી ચુપચાપ ટેરિફ હટાવી લેવાયો
ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરમાં ફરી એક વખત નવો વણાંક આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે અમેરિકન વહીવટીતંત્રે સ્માર્ટફોન, તેના પાર્ટ્સ,લેપટોપ,સેમી કંડકટર ચિપ્સ સહિત 20 જેટલા ઇલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રિકલ ઉપકરણો પરથી ટેરિફ હટાવી લેવાની જાહેરાત કરી હતી.ટેરિફ મુક્ત થયેલી આ ચીજ વસ્તુઓની 80 ટકા આયાત અમેરિકા ચીનમાંથી કરતું હતું. આ નવા નિર્ણયને કારણે ચીન દ્વારા અમેરિકામાં થતી અંદાજે 120 બિલિયન ડોલરની નિકાસ ટેરિફ મુક્ત બની ગઈ છે. આ ટેરિફ મુક્તિ 5 એપ્રિલની તારીખથી અમલમાં રહેશે.
અમેરિકાએ ચીન ઉપર 145 ટકા ટેરિફ નાખ્યા બાદ એપલ,સેમસંગ અને એનવિડિયા જેવી ચિપ ઉત્પાદક કંપનીઓ સામે ગંભીર પડકાર સર્જાયો હતો.તેનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં થતું હોવાથી આ બધા ગેજેટ્સની કિંમત આસમાને પહોચતા ટ્રમ્પ ઉપર ટેરિફ અંગે પુનઃવિચારણા કરવાનું દબાણ વધ્યું હતું. અત્રે યાદ કરવું જરૂરી છે કે એપલનાં 80% આઈ ફોનનું ઉત્પાદન અને એસેમ્બલિંગ ચીનમાં અને 20 ટકા ભારતમાં થાય છે.
ટ્રમ્પ તંત્રે ટેરિફ મુક્ત ઉપકરણોની જારી કરેલી યાદીમાં
સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ ઉપરાંત, ડિસ્ક ડ્રાઇવ્સ, ડેટા પ્રોસેસિંગ સાધનો, સેમિકન્ડક્ટર ઉપકરણો અને સાધનો, મેમરી ચિપ્સ, ફ્લેટ-પેનલ ડિસ્પ્લે, ટેલિકોમ્યુનિકેશન સાધનો, ચિપ બનાવવાની મશીનરી, રેકોર્ડિંગ ઉપકરણો અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઓનો સમાવેશ થાય છે.
ટેરિફ મુક્તિથી ચીનને મોટો ફાયદો
ટ્રમ્પે ચીન ઉપર 145% ટેરિફ લગાવ્યો અને
વળતાં પગલા તરીકે ચીને અમેરિકા ઉપર 125 ટકા ટેરિફ ઝીંક્યા બાદ વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે
ફાટી નીકળેલા ટેરિફ વોરને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલનો ખતરો સર્જાયો હતો.જો કે આ પગલાને કારણે અમેરિકાને પણ ગંભીર અસર વર્તાવા લાગી હતી. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રિકલ ઉપકરણોના ઉત્પાદનમાં ચીન મોનોપોલી જેવું સ્થાન ભોગવતું હોવાને કારણે અમેરિકામાં ઘર આંગણે સ્માર્ટફોન અને લેપટોપથી માંડીને રોજબરોજની જરૂરિયાતના અનેક ઉપકરણોની કિંમતમાં બમણા કરતાં વધારે ભાવ વધારો થવાની સંભાવના હતી. આ સંજોગોમાં ટ્રમ્પે પારોઠના પગલાં ભર્યા હતા.અને તેનાથી સૌથી વધુ ફાયદો ચીનને થયો છે.2024ના ડેટા અનુસાર, અમેરિકાએ ચીનથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની $127.06 બિલિયનની આયાત કરી હતી, જેમાંથી ઘણી વસ્તુઓ ટેરિફમાંથી મુક્ત કરવામાં આવી છે અને પરિણામે અંદાજે $120 બિલિયનની ચીનની નિકાસને ફાયદો થવાની શક્યતા છે.
યુએસની આયાતમાં ચીનનો દબદબો
અમેરિકાએ ગત વર્ષે 76.4 અબજી ડોલરના સ્માર્ટ ફોન આયાત કર્યા હતા તેમાં 76 ટકા ચીનનો હિસ્સો હતો.
આયાત કરાયેલા 65.5 અબજ ડોલરના પોર્ટેબલ કમ્પ્યુટરમાંથી 78 ટકા ચીનથી આયાત કરવામાં આવ્યા હતા. 131.1 બિલિયન ડોલરની લિથિયમ-ઇયન બેટરીની કુલ આયાતમાં ચીનના હિસ્સો 70 ટકા હતો. એજ રીતે વિડીયો ગેમ કોન્સોલસમાં કુલ અમેરિકી આયાતમાં ચીનનો હિસ્સો 87 ટકા હતો.