ધમકી આપનારા ભાઈજાનની પાછળ પડી ગયા !! સલમાન ખાનને વધુ એક ધમકી મળી: બે કરોડની ખંડણી માગી
મુંબઈમાં બાબા સીદીકી ની હત્યા બાદ અભિનેતા સલમાન ખાનને મળતી ધમકીઓની શૃંખલામાં વધુ એક નવી ધમકીનો ઉમેરો થયો છે. કોઈ અજાણ્યા શકશે દિલ્હી ટ્રાફિક કંટ્રોલને મોકલેલા સંદેશામાં સલમાન ખાન પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને નહિતર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બારામાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગતો સંદેશો પણ મુંબઈ ટ્રાફિક પોલીસને આપવામાં આવ્યો હતો.
પોલીસે હજુ બે દિવસ પહેલા જ સલમાન ખાનને ધમકી આપવા બદલ નોઈડા ના 21 વર્ષના યુવાનની ધરપકડ કરી તે પછી તુરંત જ આ નવી ધમકી ટપકી પડી હતી. આ અગાઉ પાંચ કરોડની ધમકીના કેસમાં પોલીસે જમશેદપુરના 24 વર્ષના શાકભાજી વેચતા ફેર્યા શેખ હુસેન શેખ મોહસીનની પણ ધરપકડ કરી હતી.
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી
આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. 18 ઓક્ટોબરે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં આરોપીઓએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
જ્યારે મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે તેઓએ જમશેદપુરના એક શાકભાજી વેચનારની ધરપકડ કરી જે સ્માર્ટ બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રારંભિક ધમકીભર્યા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો સલમાન ખંડણીની રકમ નહીં ચૂકવે તો તેનો જીવ જોખમમાં છે.
2022માં પણ અભિનેતાને તેના ઘરની નજીકની બેંચ પર ધમકીભર્યો પત્ર મળ્યો હતો. માર્ચ 2023માં સલમાનને કથિત રીતે ગોલ્ડી બ્રાર દ્વારા મોકલવામાં આવેલ ઈમેલ પણ મળ્યો હતો. 2024 માં, બે અજાણ્યા લોકોએ નકલી ઓળખનો ઉપયોગ કરીને પેનવેલમાં ભાઈજાનના ફાર્મહાઉસમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. આ સિવાય તેમના ઘરની બહાર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.