આ દિવાળીએ ચાઇનીઝ વસ્તુની ચમક ઘટી : વોકલ ફોર લોકલની અસરથી ૧.૨૫ લાખ કરોડનું નુકસાન
દિવાળી જેવા તહેવારોમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે અને કેન્દ્ર સરકારે વોકલ ફોર લોક્લનું સૂત્ર પણ આપ્યું છે ત્યારે આ વખતે સ્થાનિક સ્તરે મોટાપાયે ખરીદી થઇ છે અને તેને લીધે ચાઇનીઝ વસ્તુઓ પડતર રહી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ના એક અહેવાલ અનુસાર, આ દિવાળીમાં ચીનના બીઝનેસને ૧.૨૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.
દિવાળીનાં પાંચ દિવસીય તહેવારને લગતી ચીની ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેમ જણાવી આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધનતેરસના એક જ દિવસમાં અંદાજે ૬૦ હજાર કરોડ રૂપિયાનો સ્થાનિક વેપાર થયો છે.CAITનાં જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનાં જણાવ્યા અનુસાર, આ વખતે બજારમાં વોકલ ફોર લોકલને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને મોટાભાગની ખરીદી ભારતીય ચીજવસ્તુની થઇ છે.
એક અંદાજ મુજબ, દિવાળી સંબંધિત ચીની ચીજવસ્તુઓનું વેચાણ ન થવાને કારણે ચીનને લગભગ રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થઈ રહ્યું છે, CAIT એ દેશભરના વ્યવસાયોને મહિલાઓ, કુંભારો, કારીગરો અને અન્ય લોકો કે જેઓ દિવાળી સંબંધિત વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યાં છે, તેમનું વેચાણ વધારવામાં મદદ કરવા વિનંતી કરી હતી.