સર્વર ડાઉન અને ડબલ ફિંગરપ્રિન્ટ મુદ્દે સસ્તા અનાજના વિક્રેતાઓ લડી લેવાના મૂડમાં
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રાજકોટ : સસ્તા અનાજના વિક્રેતાઓને મિનિમમ કમિશન માટે નક્કી કરાયેલ વિતરણની ટકાવારી ઘટાડવી, સર્વર ડાઉન રહેવાનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલવો, ફાટેલા બરદાનમાં ઓછું અનાજ મળવું સહિતના પ્રશ્ને આગામી દિવસોમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવા તમામ જિલ્લામાંથી કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મળેલી ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા અને કારોબારી બેઠકનું સોમનાથ ખાતે આયોજન કરવામા આવ્યુ હતુ આ બેઠકમાં ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા કાર્યકારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ નંદા મહામંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા, વાડીલાલભાઈ પટેલ ઉપપ્રમુખ મનુભા જાડેજા, ગોરધનભાઈ પટેલ, પ્રવિણસિંહ વાઘેલા તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ ઊપપ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા તથા કારોબારી સમિતિના તમામ કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનની કરોબારી બેઠકમા રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી આવેલા જિલ્લા પ્રમુખો અને કારોબારીના સદસ્યોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી જેને આવેદન સ્વરૂપે સરકારમાં રજૂ કરવા માટે કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો દુકાનદારોને દુકાન ચલાવતા સર્વર ડાઉનના પ્રશ્નો, ડબલ ફિંગર પ્રિન્ટનો પ્રશ્ન, કમિશન રિફંડના પ્રશ્નો, ઓછો જથ્થો આવવો તથા ફાટેલા બારદાનમા અનસ્ટાન્ડર્ડ જથ્થો આવવો, કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓ દ્વારા દુકાનદારો પાસેથી ગેરકાયદે મજૂરી લેવાનો પ્રશ્ન તેમજ મિનિમમ કમિશન મેળવવા માટે વિતરણની ટકાવારી માં ઘટાડો કરવા સહિતના મુદ્દે રજુઆત કરવા નક્કી કરાયું હતું. સમગ્ર આયોજનમાં ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો સહીત મનિષભાઇ તન્ના, ભરતભાઇ જીમુલીયા, લલિતભાઇ કાનાબાર તેમજ ભાવેશભાઇ સહિતના દુકાનદાર ભાઈઓ દ્વારા ખાસ જહેમત ઊઠાવવામા આવી હતી.