ભારતીય વાયુસેનાએ કરાંચીના મલીર કેન્ટ ઉપર પણ વટથી હુમલો કર્યો હતો
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કરાંચી નજીકના લક્ષ્યો ઉપર પણ હુમલા કર્યા હતા તેમ ભારતીય વાયુસેનાના ડિરેક્ટર-જનરલ ઓફ ઓપરેશન્સ એર માર્શલ એ.કે. ભારતીએ ખાસ બ્રીફિંગમાં જણાવ્યું હતું.
ઓપરેશન સિંદૂર દરમિયાન કરાંચી પણ ભારતના નિશાન ઉપર હતું અને વાયુસેનાએ કરાંચી નજીકના
લશ્કરી મથકો ઉપર પણ હુમલા દ્વારા પાકિસ્તાનના વ્યૂહાત્મક મથકોનો નાશ કરી તેને પાંગળું બનાવી દીધું હતું.
પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલા, તેમજ લાઇન ઓફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સરહદ પર નાના હથિયારો અને આર્ટિલરી શેલિંગના જવાબમાં ભારતીય સૈન્યના સંયમિત અને ગણતરીપૂર્વકના પ્રતિસાદના ભાગરૂપે, કરાચીના મલીર કેન્ટોનમેન્ટ ખાતે સરફેસ-ટુ-એર મિસાઇલ (SAM) સાઇટ સહિતના સૈન્ય સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મલીર કેન્ટ એ કરાચી શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલો લશ્કરી અડ્ડો છે.
એર માર્શલે જણાવ્યું કે વાયુસેનાએ લાહોરમાં એક રડાર સાઇટને ઇઝરાયેલમાં બનેલા HARPY ડ્રોન દ્વારા નષ્ટ કરી દીધી હતી. આ ઉપરાંત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુજરાનવાલા નજીક બીજી એક સાઇટને પણ નિશાન બનાવીને નાશ કરાયો હતો.
પત્રકાર પરિષદમાં વાઇસ એડમિરલ એ.એન.પ્રસાદે ભારતની રણનીતિ અંગે જાણકારી આપતા જણાવ્યું કે પાકિસ્તાની નેવીને રોકવા માટે ભારતીય નૌકાદળના કેરિયર બેટલ ગ્રૂપ્સ, સબમરીન અને એવિએશન એસેટ્સને કરાચીના બંદરની બહાર તૈનાત કરવામાં આવ્યા હતા અને પરિણામે પાક નેવી ત્યાં જ રહેવા માટે મજબૂર બની હતી.
તેમણે ઉમેર્યું કે ભારતીય નૌકાદળ સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે કરાંચી ઉપરાંત સમુદ્રમાં અને જમીન પરના
સ્થળો પર ત્રાટકવા માટે રેડી ટુ એટેક સ્થિતિમાં હતું
ભારતની આ વ્યૂહરચનાને કારણે પાકિસ્તાની નૌકાદળ અને વાયુસેના મોટાભાગે બંદરોની અંદર અથવા દરિયાકિનારાની ખૂબ નજીક રક્ષણાત્મક સ્થિતિમાં રહેવા માટે મજબૂર બની ગયા હતા.