ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થપાઈ રહેલી શાંતિ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થયા સહિતના વૈશ્વિક સકારાત્મક સંકેતોને લીધે મુંબઈ શેરબજારમાં ખુલતા સપ્તાહે તોફાની તેજી જોવા મળી હતી અને સેન્સેક્સે 3000 પોઈન્ટ, જ્યારે નિફ્ટીએ 900 પોઈન્ટના રેકોર્ડ ઉછાળો નોંધાવ્યો હતો. આ ઉછાળાને લીધે રોકાણકારોની મૂડીમાં રૂ. 16.11 લાખ કરોડનો વધારો થયો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દૂર થતાં સ્થાનિક રોકાણકારોના બાયિંગ સેન્ટિમેન્ટ સુધર્યા છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે પણ સફળ ટ્રેડ ડીલના કારણે વિદેશી રોકાણકારોએ પણ લેવાલી નોંધાવી છે. પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જે છેલ્લા ચાર વર્ષમાં બીજો સૌથી મોટો ઉછાળો છે.
અગાઉ 1 ફેબ્રુઆરી, 2021ના રોજ બંને ઈન્ડાઈસિસ ઈન્ટ્રા ડે 4.7 ટકાથી વધુ ઉછળ્યા હતા. સેન્સેક્સ 1300 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ ઈન્ટ્રાડે 3041.5 પોઈન્ટ ઉછળી 82495.97ના હાઈ લેવલે પહોંચ્યો હતો. જે અંતે 3.33 વાગ્યે 2975.43 પોઈન્ટના ઉછાળે 82429.90 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 916.70 પોઈન્ટ ઉછાળા સાથે 24924.70 પર બંધ રહ્યો હતો.
શેરબજારમાં આજે આઈટી શેર્સમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ટેરિફ વૉર, ડોલરમાં કડાકાના કારણે કરેક્શન મોડમાં ચાલી રહેલા આઈટી સ્ટોકમાં નીચા મથાળે ખરીદી વધી છે.