સીએએ સામે સ્ટે નહીં: ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા સુપ્રીમનો સરકારને આદેશ
અગામી સુનાવણી 9 એપ્રિલે: ત્યાં સુધીમાં કોઈને નાગરિકત્વ અપાય તો દાદ માંગવાની અરજદારોને છૂટ
સીએએના અમલ સામે સ્ટે આપવાની માંગણી કરતી 237 અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચડ,જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બંચે સ્ટે આપવાનો ઇનકાર કરી કેન્દ્ર સરકારને ત્રણ અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ કર્યો હતો.આ કેસની આગલી સુનાવણી 9 એપ્રિલના રોજ થશે.સુનાવણી દરમિયાન અરજદારોએ એ તારીખ સુધીમાં કોઈને નાગરિકત્વ ન આપવામાં આવે એવો આદેશ કરવા કરેલી માંગણીના પ્રત્યુતરમાં અદાલતે જો એવું કંઈ બને તો અદાલતનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
સરકાર વતી દલીલ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે 237 અરજી થઈ છે અને તેનો અભ્યાસ કરી જવાબ દેવામાં સમય લાગી શકે છે. આ સંજોગોમાં તેમણે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાની માંગણી કરી હતી.
અરજદારો વતી એડવોકેટ કપિલ સિબલે એ માગણી નો વિરોધ કર્યો હતો. તેમણે તથા અન્ય વકીલોએ પણ કેન્દ્ર સરકાર જવાબ રજૂ ન કરે ત્યાં સુધી કોઈને નાગરિકત્વ ના આપવાની માગણી કરી હતી. તેમણે એ સમય દરમિયાન કોઈને નાગરિકત્વ નહીં આપવામાં આવે એવી ખાતરી માગી હતી. જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવું કોઈ પણ નિવેદન કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી પરંતુ નાગરિકતા આપે છે.
ચીફ જસ્ટિસ ચંદ્રચુડે પણ કહ્યું કે સોલિસિટર જનરલ એ મુદ્દે કોઈ નિવેદન કરવા માગતા નથી આ સંજોગોમાં અમે સરકારને ત્રણ મહિનામાં જવાબ રજૂ કરવા જણાવીએ છીએ. કપિલ સિબ્બલ ફરી એક વખત જ્યારે આગલી સુનવણી સુધી કોઈને નાગરિકત્વ ના આપવા નો મુદ્દો દોહરાવ્યો ત્યારે ચીફ જસ્ટીસે નાગરિકત્વ આપવા માટે કોઈ પ્રક્રિયા શરૂ થઈ છે કે કેમ તેઓ સવાલ કર્યો હતો. તેના જવાબમાં તુષાર મહેતાએ જણાવ્યું કે અરજદારની અરજી સૌપ્રથમ એક કમિટી પાસે જાય છે. ત્યારબાદ એ વધુ એક ઉચ્ચ સમિતિ પાસે જાય છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. તેમણે કહ્યું કે નિર્ણય કેટલા સમયમાં લેવાય તે વ્યક્તિગત અરજદારની હકીકતો પર આધારિત છે.
નોંધનીય છે કે સીએએ અંતર્ગત 2014 પહેલા ધાર્મિક દમનને કારણે ભારતમાં સ્થાયી થયેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે. એ કાયદામાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા તે ગેરબંધારણીય છે એવી દલીલ સાથે તે કાયદો રદ કરવા અને તેના અમલ સામે સ્ટે આપવા માટે કેરાલાની ઇન્ડિયન મુસ્લિમ લીગ, કોંગી નેતા જયરામ રમેશ, તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોહિત્રા અને આસામના કેટલાક સંગઠનો સહિત કુલ 237 અરજી કરવામાં આવી છે.