ઉદયપુર પેલેસ બહાર બે રાજવી વંશજોના સમર્થકો વચ્ચે પથ્થર મારો: ભારે તંગદીલી
મેવાડના નવનિયુક્ત રાજવીને પેલેસસ્થિત મંદિરમાં દર્શન કરતાં તેમના કાકાએ રોકતા મામલો વણસ્યો
મેવાડના રાજા તરીકે રાજતીલક થયા બાદ નવ નિયુક્ત મહારાણા અને નાથદ્વારાના ભાજપ ના ધારાસભ્ય વિશ્વરાજસિંહ મેવાડને ઉદયપુર પેલેસમાં આવેલા ધૂણી માતાના મંદિરમાં દર્શન કરતા તેમના કાકા અરવિંદસિંહ મેવાડે રોકતા ભારે વિવાદ થયો હતો. સોમવારે રાત્રે મહારાણા પ્રતાપના વંશજો એવા એ બંને રાજવી પરિવારોના સમર્થકો વચ્ચે સામસામો પથ્થરમારો થતાં ભારે તંગદીલી ફેલાઈ હતી. મામલો કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંપત્તિ વિવાદમાં હિંસક ઘટના બની હોય તેવો આ પ્રથમ બનાવ હતો. આ ઘટના બાદ સરકારે વિવાદિત ધૂણી માતા મંદિરમાં રીસીવરની નિમણૂક કરી દીધી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે મેવાડના મહારાણા મહેન્દ્રસિંહનું 10 મી નવેમ્બરે મૃત્યુ થયા બાદ તેમના પુત્ર વિશ્વરાજ સિંહની મેવાડના મહારાજા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચિત્તોડગઢ પેલેસમાં તેમને રાજ તિલક કરાયું હતું અને પઘડીની રસમ પૂરી કરવામાં આવી હતી.
મેવાડમાં કોઈપણ નવા રાજવી રાજતીલક થયા બાદ ધૂણી માતા અને એકલિંગજીના દર્શન કરવા જાય તે પરંપરા રહી છે. તે પરંપરા અનુસાર વિશ્વરાજ સિંહ સોમવારે રાત્રે ધૂણી માતાના દર્શને જવાના હતા. એ સ્થળ જે જગ્યાએ આવેલું છે તે ઉદયપુર પેલેસ વિશ્વરાજ સિંહના કાકા અરવિંદસિંહના કબજા હેઠળ છે.બીજી તરફ વિશ્વરાજ સિંહ નું રાજ તિલક થયા બાદ અરવિંદ સિંહે જાહેર નોટિસ આપી અને વિશ્વરાજસિંહ અને તેમના સમર્થકોને ઉદયપુર પેલેસમાં પ્રવેશ ન કરવાની સુચના આપી હતી. આ મુદ્દે વિવાદ વધવાની સંભાવના જણાયા બાદ ઉદયપુર પેલેસ આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પેલેસ સુધી પહોંચતા રસ્તા ઉપર પોલીસે બેરીકેડ ગોઠવી દીધી હતી.
આ સંજોગોમાં સમર્થકો સાથે પેલેસ પર પહોંચેલા વિશ્વરાજ સિંહને પોલીસે અટકાવતા તેમના સમર્થકો વિફર્યા હતા અને પોલીસ સાથે અથડામણ થઈ હતી. એ દરમિયાન અરવિંદ સિંહ ના સમર્થકો અને વિશ્વરાજ સિંહના સમર્થકો વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે મામલો કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. વિશ્વરાજસિંહ રાત્રે આઠ કલાક સુધી પેલેસ ની બહાર ઊભા રહ્યા હતા. અંતે રાત્રે એક વાગે સરકારે ધુણી માતા મંદિર માટે રીસીવર ની નિમણૂક કરી દીધા બાદ મંગળવારે ફરી એક વખત દર્શને આવવાની જાહેરાત કરી વિશ્વરાજ સિંહ પરત ફર્યા હતા.
પિતા – પુત્ર અને બે સગા ભાઈઓ વચ્ચેનો શું છે વિવાદ?
મહારાણા પ્રતાપ ના વંશજો જેવા મેવાડના પૂર્વ મહારાણા ભગવતસિંહના બે પુત્રો મહેન્દ્રસિંહ અને અરવિંદસિંહ વચ્ચે દાયકાઓથી કરોડોની કિંમતની સંપત્તિ માટે વિવાદ ચાલે છે. મહારાણા ભગવતસિંહે તેમની હયાતીમાં મેવાડની પૈતૃક સંપત્તિ લીઝ ઉપર આપવાનું તથા વેચવાનું શરૂ કર્યું હતું. તેમના જ્યેષ્ઠ પુત્ર મહેન્દ્ર સિંહે તેનો વિરોધ કર્યો હતો. તેમણે એ સંપત્તિનો અધિકાર હિન્દુ ઉતરાધિકારી કાનુન હેઠળ નક્કી કરવા માટે અદાલતમાં કેસ કર્યો હતો. પિતા અને પુત્ર વચ્ચે એ વિવાદ થયા થયા બાદ મહારાણા ભગવતસિંહે તેમના વીલમાં નાના પુત્ર અરવિંદ સિંહ ને ટ્રસ્ટના માધ્યમથી તમામ સંપત્તિ સોંપી દીધી હતી.
વિલના એક્ઝિકયુટર તરીકે પણ અરવિંદસિંહ ની નિમણૂક કરવામાં આવી હતી. નોંધનીય છે કે મેવાડ રાજઘરનાની સંપત્તિનું સંચાલન ભગવતસિંહ એ સ્થાપેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેનું સંચાલન અરવિંદ સિંહના પુત્ર લક્ષ્યરાજ સિંહના હાથમાં છે. અરવિંદ સિંહ પોતે એ ટ્રસ્ટના ચેરમેન છે.
દરમિયાન ભગવતસિંહ નું મૃત્યુ થયા બાદ મહેન્દ્રસિંહ મેવાડને રાજ તિલક કરવામાં આવ્યું હતું. અરવિંદ સિંહે જો કે મહેન્દ્ર સિંહને મેવાડના મહારાજા માનવાનો ઇનકાર કરી દીધો હતો.એ દરમિયાન મહેન્દ્રસિંહનું 10 મી નવેમ્બરે નિધન થયા બાદ 24 મી નવેમ્બરે તેમના પુત્ર વિશ્વરાજ સિંહનું રાજ તિલક કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ તેઓ ધૂણી માતા મંદિરે દર્શને જતા મામલો
હિંસક બન્યો હતો.
વિશ્વરાજ સિંહે ધૂણી માતાના મંદિરે જવાનું માંડી વાળ્યું
સોમવારે રાત્રે પેલેસ પરથી પરત ફરતી વેળાએ વિશ્વરાજ સિંહે બીજા દિવસે એટલે કે મંગળવારે પોલીસ બંદોબસ્ત હેઠળ મંદિરે ફરી દર્શન કરવા આવવાની જાહેરાત કરી હતી. પ્રશાસને પણ વિવાદિત ધર્મસ્થળમાં રીસીવરની નિમણુક કરતા એ સ્થળ અને ત્યાં સુધી પહોંચતા માર્ગો સરકારના કબજામાં આવી ગયા હતા. આ સંજોગોમાં વિશ્વરાજ સિંહ માટે મંદિરમાં જવાનો માર્ગ મોકલો થઈ ગયો હતો પરંતુ મંગળવારે તેમણે ધૂણી માતાના મંદિરે નહીં જવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ઝઘડો વધે નહીં એ માટે તેમણે આ નિર્ણય લીધો હોવાની તેમણે જાહેરાત કરી હતી. સોમવારે રાત્રે તેમણે તેમને અને તેમના સમર્થકોને રોકવા બદલ પોલીસ તંત્ર અને પ્રશાસનની પણ આકરી ટીકા કરી હતી.