સોનમે કહ્યુ મારી નાખો! સોનમની વોટ્સએપમાં ચેટ થયા ખુલાસા, પ્રેમીને મેસેજ કરીને કહ્યું-પતિની નિકટતા પસંદ નથી
મેઘાલયમાં હનીમૂન માટે ગયેલા ઇન્દોરના યુવાન રાજા રઘુવંશીની હત્યાના આરોપસર પકડાયેલી તેની પત્ની સોનમે લગ્નના ત્રણ દિવસ પછી પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું ખુલવા પામ્યું છે.આ કેસમાં સોનમ, તેનો કથિત પ્રેમી રાજ કુશવાહા ઉપરાંત અન્ય ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ સોનમે તેનું અપહરણ થયું હોવાનો તેમ જ નશીલી દવાઓ આપીને ગાઝીપુર લાવવામાં આવી હોવાનો બચાવ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન પછી પણ સોનમ રાજ કુશવાહા સાથે સંપર્કમાં હતી. તેણે ચેટમાં કહ્યું હતું કે તેના પતિની નિકટતા તેને પસંદ નહોતી.પોતે લગ્ન પહેલાંથી જ પતિ સાથે દૂરી બનાવી લીધી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નના ત્રણ દિવસ બાદ તેણે રાજ કુશવાહા સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

બીજી તરફ સોનમે પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.તેની ધરપકડ બાદ હોસ્પિટલના સ્ટાફને તેણે પોતાનું અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું.ઉતર પ્રદેશના એડિશનલ ડાયરેક્ટર જનરલ અમિતાભ યશ ના જણાવ્યા અનુસાર સોનમે તેને નશીલા પદાર્થની અસર હેઠળ ગાઝીપુર લાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.યુપી પોલીસના જણાવ્યા અનુસાર સોનમનો કબજો મેઘાલય પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને હવે આગળની બધી તપાસ અને કાર્યવાહી મેઘાલય પોલીસ કરશે.
આ પણ વાંચો : મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી

ઇન્દોરના કેફેમાં કાવતરું ઘડાયું રાજ કુશવાહા ઇન્દોરમાં જ રહ્યો
પોલીસે આ કેસમાં હત્યામાં સામેલ વિશાલ ચૌહાણ, આનંદ કુમરી,આકાશ રાજપૂત અને વિક્કી ઠાકુર નામના ચાર યુવાનોની ધરપકડ કરી છે.તમામને મેઘાલય લઈ જવામાં આવ્યા છે. આ બધા આરોપીઓ 19 થી 23 વર્ષ વચ્ચેના છે.સૂત્રોના જણાવ્યા મુજબ એ ચારેય શખ્સો રાજ કુશવાહાના બાળપણના મિત્રો છે. કુશવાહાએ તેમની સાથે 16 મે ના રોજ ઇન્દોરના એક કાઠેમાં બેઠક કરી હતી. રાજે તેમને પૈસાની લાલચ પણ આપી હતી. 20 મી તારીખે રાજા રઘુવંશી અને સોનમ મેઘાલય જવા નીકળ્યા તે જ દિવસે આ શખ્સો પણ
ત્યાં જવા માટે રવાના થયા હતા. જો કે રાજ કુશવાહા પોતે ઇન્દોરમાં જ રહ્યો હતો અને ત્યાં બેઠાં જ આખા કાવતરાને અંજામ આપ્યો હતો.હત્યાના કાવતરાના ભાગરૂપે જ હનીમૂન માટે ઇન્દોર થી ખૂબ દૂર એવા મેઘાલયની પસંદગી કરવામાં આવી હતી.મેઘાલય પહોંચ્યા બાદ સોનમ ઈરાદાપૂર્વક પતિને નિર્જળ રસ્તા પર દોરી ગઈ હતી જ્યાં બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.

સોનમ થાકી ગયાનો ડોળ કરી પાછળ રહી, અને પછી કહ્યું,” મારી નાખો..”
20 તારીખે સોનમ અને રાજા રઘુવંશી મેઘાલય જેવા નીકળ્યા તે જ દિવસે રાજ કુશવાહાએ ત્રણે ભાડૂતી મારાઓને પહેલા ગૌહાટી મોકલ્યા હતા. ત્યાંથી તેમણે ઓનલાઇન છરા ની ખરીદી કરી હતી. બીજા દિવસે એ ત્રણે શખ્સો મેઘાલય પહોંચ્યા હતા અને સોનમ અને રાજા રઘુવંશી ના હોમ સ્ટેની બાજુમાં જ ઉતર્યા હતા.

23 મે ના રોજ સોનમ અને રાજા ફરવા માટે નીકળ્યા ત્યારે ત્રણેય એ તેમનો પીછો કર્યો હતો. સોનમ ફોટોશૂટ કરવા માટે પતિ રાજાને ચઢાણ વાળા નિરજન રસ્તા પર લઈ ગઈ હતી. એ દરમિયાન ત્રણે યુવાનો તેમની સાથે જોડાઈ ગયા હતા અને રાજા સાથે હિન્દીમાં વાર્તાલાપ શરૂ કર્યો હતો. એ સમયે થાકી ગઈ હોવાનો દેખાવ કરી સોનમ પાછળ રહી ગઈ હતી અને જ્યારે સાવનિર્જન સ્થળ આવ્યું ત્યારે તેણે બૂમ મારીને પતિને મારી નાખવા ત્રણે મારાઓને જણાવ્યું હતું.

રાજ કુશવાહા અને સોનમ એક જ સ્થળે કામ કરતા હતા
સોનમના ભાઈ ગોવિંદની ફેક્ટરીમાં રાજ કુશવાહા નોકરી કરતો હતો.સોનમ પણ એ જ સ્થળે કામ કરતી હતી અને તેને કારણે બન્ને પરિચયમાં આવ્યા હતા.સોનમ કામ બાબતે અનેક વખત કુશવાહાને ઠપકો પણ આપતી હતી.રાજ કુશવાહાની ઉમર માત્ર 20 વર્ષની હોવાનું તેની માતાએ જણાવ્યું હતું. તેમણે તેમનો પુત્ર અત્યંત દયાળુ અને સેવાભાવી હોવાનું જણાવી તેને આ કેસમાં ફસાવી દિવસમાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે રાજા રઘુવંશીની અંતિમ યાત્રામાં રાજ કુશવાહાએ ડાઘુઓને સ્મશાનગૃહે લઈ જવા માટેની ગાડીમાં ડ્રાઇવર તરીકે સેવા આપી હતી.