શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને આંચકો : શાહી ઇદગાહને વિવાદિત ઢાંચો ગણવાની અરજી હાઇકોર્ટે ફગાવી
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદને લઈ ચાલી રહેલા કાનૂની વિવાદમાં અલ્હાબાદ હાઇકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદને વિવાદિત ઢાંચો ગણવાની હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

હિંદુ પક્ષના એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે શાહી ઈદગાહ મસ્જિદને કોર્ટના રેકોર્ડ અને આગળની કાર્યવાહીમાં “વિવાદિત બાંધકામ ” તરીકે નોંધવાની અરજી કરી હતી. કોર્ટના સ્ટેનોગ્રાફરને શાહી ઈદગાહ મસ્જિદ શબ્દને બદલે વિવાદિત બાંધકામ શબ્દનો ઉપયોગ કરવાનો આદેશ આપવા એ અરજીમાં માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના 83 પૈકી 43 જળાશયોમાં નવા નીરની ધીંગી આવક : રાજકોટ અને જામનગરના 14-14 ડેમમાં આવ્યા નવા નીર
જોકે, મુસ્લિમ પક્ષે આ માગણીનો અને મસ્જિદના સત્તાવાર નામમાં કોઈ ફેરફારનો લેખિત વિરોધ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ આ અરજીને નકારી કાઢી અને મુસ્લિમ પક્ષના વિરોધને સમર્થન આપ્યું હતું.
નોંધનીય છે કે આ કેસ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદની આસપાસના જમીન અને ધાર્મિક દાવાઓને લગતી હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી 18 અરજીઓમાંનો એક છે. શાહી ઈદગાહ મસ્જિદ શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર સંકુલની બાજુમાં આવેલી છે અને તેને હિન્દુઓ ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માને છે. આ કેસની આગામી સુનાવણી 2 ઓગસ્ટના રોજ થશે.