રિયલ એસ્ટેટને રાહત! જંત્રીદરનો વધારો મોકૂફ
કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગાજતા સરકારનો નિર્ણય
ઓગસ્ટ માસમાં નવા જંત્રીદર લાગુ કરવા સરકારની તૈયારી વચ્ચે બ્રેક
ગુજરાત સરકારે નવા આકરા જંત્રીદર અમલી બનાવ્યા બાદ ઓગસ્ટ ૨૦૨૪માં ફરી જંત્રીદરમાં વધારો કરવા તૈયારીઓ કરી લીધી હતી પરંતુ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત સહિતની આગામી ચૂંટણીઓ જોતા જંત્રીદર વધારાની વિપરીત અસરો ચૂંટણી ઉપર ન પડે તે હેતુથી હાલતુર્ત જંત્રીદર વધારો અભેરાઈએ ચડાવી દીધો હોવાનું બિલ્ડર લોબી અને અધિકારીક વર્તુળોમાંથી જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં બમણો વધારો કરવામાં આવ્યા બાદ ફરી જંત્રીદરમાં વધારો કરવા મહેસૂલ વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરાવતા તમામ જિલ્લા કલેક્ટરો દ્વારા નવા જંત્રીદર અંગે રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યા હતા અને ઓગસ્ટ મહિના સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવા તૈયારીઓ કરી હતી પરંતુ નવા જંત્રીદર અમલી બનાવવામાં આવે તો આગામી સમયમાં આવી રહેલ મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીમાં લોકોના રોષનો સામનો કરવો પડે તેવી સ્થિતિ જોતા સરકારે સપ્ટેમ્બર મહિનો વીતવા છતાં પણ નવા જંત્રીદર અમલી કરવા અંગે કોઈ કાર્યવાહી કરી નથી.
રાજકોટના ટોચના બિલ્ડરના જણાવ્યા મુજબ સરકારે એક સાથે જંત્રીના દરમાં અસહ્ય ભાવ વધારો કરતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર સહિતના શહેરોમાં બજારભાવો ખૂબ ઊંચા આવ્યા છે જેને કારણે રિયલ એસ્ટેટને વિપરીત અસર પણ પડી છે ત્યારે ફરી એક વાર જો જંત્રી દર વધારવામાં આવે તો લોકોમાં રોષ વ્યાપે તેવી સ્થિતિ જોતા હાલમાં જંત્રીદર વધારાનો અમલ સ્થગિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એ જ રીતે અધિકારીક સૂત્રોએ પણ હાલમાં સરકારમાં તમામ શહેરોના જંત્રીદર વધારા અંગેના રિપોર્ટ સબમિટ થઈ ગયા હોવાનું અને અમલવારી અંગે કોઈ સૂચના ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં ખેતીવાડીને નુકશાન, રોડ રસ્તાને નુકશાન, ખેતીની જમીનના ધોવાણ સહીતના સળગતા મુદ્દે લોકરોષ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે હાલતુર્ત સરકાર દ્વારા મતદારોમાં નારાજગી આવે તેવા નિર્ણયો ન લેવામાં જ સમજદારી માની હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.