રાજકોટ : પાઉં લેવા ગયેલા યુવાનને મોત મળ્યું !! ભક્તિનગર સર્કલ પાસે રાજ પાઉંભાજી નામે ધંધો કરતાં યુવકને કારે હડફેટે લેતાં મોત
ભક્તિનગર સર્કલ પાસે રાજ પાઉંભાજી નામે રેંકડી રાખી ધંધો કરતાં યુવકને સરાજા હોટેલ પાસે ફોર-વ્હીલરના ચાલકે હડફેટે લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ યુવક પાઉં લેવા માટે જઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. બીજી બાજુ અકસ્માતને 20 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ કારના નંબરના આધારે તેના ચાલકની ઓળખ કરી શક્યો નથી !
આ અંગે સોરઠિયાવાડી સર્કલ પાસે રાજ પાઉંભાજી નામે દુકાન ધરાવતાં રાહુલ રમેશભાઈ બુલવાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના મોટાબાપુના પુત્ર શૈલેષનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ તે ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હોસ્પિટલમાં શૈલેષની સારવાર ચાલી રહી હતી અને માથામાં ગંભીર ઈજા થવા ઉપરાંત નાક-કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ પછી શૈલેષની પાઉંભાજીની રેંકડીમાં નોકરી કરતાં સોનલબેનને બનાવ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે શૈલેષ તેનું બાઈક નં.જીજે3એએસ-0320 લઈને કાલાવડ રોડ પર સરાજા હોટેલ પાસે પાઉં લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યા આસપાસ સરાજા હોટેલ સામે જ રોડ પર યુ-ટર્ન લેતાં એક સિલ્વર કલરની જીજે3-એમઆર-9068 નંબરની કારે તેમને હડફેટે લેતાં શૈલેષ ત્યાં જ ઢળી પડ્યો હતો. થોડીવાર માટે કારચાલકે કાર ઉભી પણ રાખી હતી જેના આધારે તેનો નંબર જોઈ લીધો હતો. આ પછી 108 મારફતે શૈલેષને સારવાર માટે ખસેડાયો પરંતુ ત્યાં તેનું મોત નિપજ્યું હતું.
દિવ-રાજકોટ એસ.ટી.બસ હડફેટે યુવકનું મૃત્યુ
અકસ્માતની વધુ એક ઘટના કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે બની હતી જ્યાં દિવથી રાજકોટ આવતી એસ.ટી.બસ નં.જીજે18ઝેડટી-0972ના ચાલક ભરત માલાભાઈ પરમારે અમરેન્દ્રકુમાર દેવેન્દ્રકુમાર ચૌહાણ (ઉ.વ.23) કે જે રસ્તો ઓળંગી રહ્યો હતો તેને હડફેટે લેતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.