અમેરિકામાં કોની વિરુધ્ધ થયા દેખાવો ? લોકોએ શું કહ્યું ? વાંચો
બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલા યુનુસ નામના નેતા સામે અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે. હિન્દુઑ પર અત્યાચારના આરોપ સાથે અમેરિકાના ભારતીય પરિવારો નારાજ થયા છે અને ન્યુયોર્કમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભારતીયો ઉપરાંત મૂળ અમેરિકી નાગરિકો પણ જોડાયા હતા અને વિરોધ કરી રહ્યા હતા.
દેખાવો કરનારા લોકોએ યુનુસ પાછા જાઑ તેવો સૂત્રોચ્ચાર કર્યો હતો. હજારો લોકો દેખાવોમાં જોડાયા હતા. એ જ રીતે શેખ હસીના માટે ટેકો આપતા બેનરો અને પોસ્ટરો પણ દેખાવોમાં ઝળક્યા હતા. આ પહેલા પણ અમેરિકા સહિતના અનેક દેશોમાં યુનુસ સામે દેખાવો થયા હતા.
અમેરિકામાં ભારતીય પરિવારોએ અને સંસ્થાઓએ એવો આરોપ મૂક્યો છે કે યુનુસ ગંદી રાજનીતિ કરીને સત્તામાં આવી ગયા છે. ગેરબંધારણીય રીતે એમણે સત્તા મેળવી છે અને એમને દુનિયાનો કોઈ દેશ ટેકો આપી શકે જ નહીં.
લોકોએ મીડિયાને એમ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો સુરક્ષિત નથી અને સંયુક્ત રાષ્ટ્રએ તેની નોંધ લેવી જોઈએ. હિન્દુ લોકોની સંપૂર્ણ રક્ષાની વ્યવસ્થા થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.